નવી દિલ્હી: બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)નો ચીફ અને કુખ્યાત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા(Lakhbir singh Landa)ને ભારત સરકારે આતંકવાદી (Terrorist) જાહેર કર્યો છે. ભારત સરકારે આ Unlawful Activities (Prevention) Act હેઠળ લીધો છે. લાંડા પંજાબના તરનતારન જિલ્લાની રહેવાસી છે. તે હાલમાં કેનેડાના એડમોન્ટનમાં રહે છે.
ગૃહ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી હતી. નોટિફિકેશન અનુસાર, લાંડા પાકિસ્તાનથી ભારતમાં દાણચોરીથી આવતા હથિયારો અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ઉપકરણોના હેરફેર પર નજર રાખે છે. લાંડા 9 મે, 2022ના રોજ પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે. પંજાબ પોલીસ અને NIAએ આ મામલે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે હાલ તે ફરાર છે અને કેનેડામાં છુપાયેલો છે.
લાંડા કેનેડામાં ખાલિસ્તાન તરફી સંગઠનો સાથે પણ સંકળાયેલો છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, લાંડા પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સરહદ પારથી વિવિધ મોડ્યુલને IED, અત્યાધુનિક હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરે છે. પંજાબની ઉપરાંત તે દેશના અન્ય ભાગોમાં પણ આતંકવાદી મોડ્યુલ તૈયાર કરે છે. તે ખંડણી, હત્યા, બ્લાસ્ટ, માદક દ્રવ્યોની દાણચોરી અને હથિયારોના ગેરકાયદેસર ધંધામાં સામેલ છે. 2021માં લાંડા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. NIAએ તેના પર ઈનામ પણ જાહેર કર્યું છે.