નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરતા બુધવારે ‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ’ નામના સંગઠન પર પ્રતિબંધ મુકી દીધો છે.
UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ )હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સંગઠન પર આરોપ હતો કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ થયા હતા અને અન્ય આતંકી સમૂહોને મદદ પણ કરી રહ્યા હતા. આ વાતની માહિતી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લખ્યું હતું કે ‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ’ નામના જૂથને ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી તથા અલગતાવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. તેઓ આતંકવાદ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં સામેલ હતા, તેમજ સ્થાનિકોને કટ્ટરવાદ તરફ ઉશ્કેરી રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેને કાયદાના પૂર્ણ પ્રકોપનો સામનો કરવો પડશે.
આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાંથી વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે, જે મુજબ ભારતીય સેનાની સતર્કતાને કારણે એક મોટું આતંકી ષડયંત્રને નિષ્ફળ થઇ ગયું છે.
શ્રીનગર-બારામુલા હાઈવે પર આતંકવાદીઓએ IED બોમ્બ લગાવેલો હતો, જેને રિકવર કરીને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો છે. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર IED રિકવર કરીને તેને ડિફ્યુઝ કરી દેવાની જાણકારી આપી હતી.