અમદાવાદટોપ ન્યૂઝ

નવું વર્ષ અમદાવાદ માટે આટલું લોહિયાળ? હિટ એન્ડ રનમાં દોઢ મહિનામાં 21 જણના જીવ ગયા

અમદાવાદઃ શહેરમાં હિટ એન્ડ રનની કેસમાં ચાલુ વર્ષે વધારો થયો છે. શહેરમાં દર બીજા દિવસે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 2025ના 45 દિવસમાં જ અમદાવાદમાં હિટ એન્ડ રનની 61 ઘટના નોંધાઈ છે. જેમાં 21 લોકોના મૃત્યુ થયા છે. આમ દરરોજ અકસ્માતની એકથી વધુ ઘટના અને દર બે દિવસે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. શનિવારે સાંજે, નવરંગપુરામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે રવિવારે ચાંદખેડામાં એક અકસ્માતમાં 12 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

2025માં માત્ર 45 દિવસમાં આવા કેસોની સંખ્યા ગયા વર્ષની સરેરાશ કરતાં વધી ગઈ છે. ગયા વર્ષે શહેરમાં 161 હિટ એન્ડ રન અકસ્માતો નોંધાયા હતા, જેમાં 50 લોકોનાં મોત થયા હતા, જે પૈકી ફક્ત 44 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી અને 117 ફરાર રહ્યા હતા. જોકે, 2025ના માત્ર 45 દિવસમાં શહેરમાં 61 હિટ એન્ડ રનની ઘટના નોંધાઈ હતી. જેમાં 21 લોકોના મોત થયા હતા. આ કિસ્સાઓમાં, ફક્ત 20 શંકાસ્પદોને પકડવામાં આવ્યા હતા જ્યારે 41 ફરાર છે.

આ પણ વાંચો: Ahmedabad ના મેમનગરમા હિટ એન્ડ રનની ઘટના, સાત લોકો ઘાયલ…

અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના અધિકારીના જણાવ્યા મુજબ, લોકોને બેદરકારીથી વાહન ચલાવતા રોકવા માટે રસ્તાઓ પર પોલીસની હાજરીમાં વધારો કરવો જરૂરી છે. જો જીવલેણ હિટ એન્ડ રન અકસ્માતો થાય તો સંબંધિત ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને જવાબદાર ઠેરવવા જોઈએ. જ્યાં સુધી સિનિયર અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં નહીં આવે, ત્યાં સુધી જુનિયર અધિકારીઓ તેમની ફરજો અસરકારક રીતે નિભાવી શકશે નહીં. હિટ એન્ડ રન કેસો અને મોતની વધતી જતી સંખ્યા બેદરકારીથી વાહન ચલાવવાના મુદ્દાને ઉકેલવા અને અમદાવાદના રસ્તાઓ પર મુસાફરો અને રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

આ પણ વાંચો: સુરતઃ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનમાં દંપતીનું મોત

નવરંગપુરા અને ચાંદખેડામાં તાજેતરના અકસ્માતો દારૂ પીધેલા વાહન ચાલકો દ્વારા થયા હોવાનો આરોપ છે. પોલીસ સ્ટાફની અછત અને રસ્તાઓ પર દરેક વાહન પર નજર રાખવામાં અસમર્થતા આવી ઘટનાઓને રોકવામાં મુખ્ય અવરોધો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button