શિમલા/પંચકુલાઃ હિમાચલ પ્રદેશમાં સુક્ખુ સરકારની ખુરશી ખતરામાં હોવાનું જણાઈ રહ્યું છે. અહીં છ કોંગ્રેસી સહિત નવ વિધાનસભ્ય હરિયાણા પહોંચી ચૂક્યા છે, જ્યારે તેના સંબંધમાં વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. બીજી બાજુ રાજ્યસભાની એક સીટ માટે મતદાનની વચ્ચે ક્રોસ વોટિંગની શંકાને લઈને મંગળવારે દિવસભર રાજકારણ ગરમાયું હતું.
આ મુદ્દે કોંગ્રેસે સૌથી મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે અમુક વિધાનસભ્ય ગાયબ થયા છે. અમુક વિધાનસભ્ય ગાયબ નહીં, પરંતુ અપહરણ કર્યું હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુક્ખુએ કહ્યું હતું કે સીઆરપીએફના દમ પર તેમની પાર્ટીના અમુક વિધાનસભ્યોને પંચકુલા લઈ જવામાં આવ્યા છે. એની વચ્ચે પંચકુલા પહોંચેલા છ વિધાનસભ્ય ગાયબ થયા હોવાની તસવીર વાઈરલ થઈ છે.
દરમિયાન હિમાચલ પ્રદેશની એક રાજ્યસભાની ચૂંટણીના પરિણામ મુદ્દે ધમાલ થઈ છે. સત્તાધારી પાર્ટી અને વિપક્ષી પક્ષના એક નેતા આમનેસામને આવી ગયા છે. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુક્ખુએ ભાજપા દ્વારા વિધાનસભ્યોનું અપહરણ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો છે. વિધાનસભાના પરિસરમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમુક વિધાનસભ્યોને સીઆરપીએફની મદદથી હરિયાણા લઈ જવામાં આવ્યા છે, જ્યારે બસનું પણ સીસીટીવી ફૂટેજ મળ્યું છે.
સીએમે દાવો કર્યો હતો કે અમારા પાંચથી છ વિધાનસભ્યને સીઆરપીએફ અને હરિયાણા પોલીસ સાથે લઈ ગઈ છે. આ બધું ભાજપ કરે છે. વિધાનસભ્યોનો સંપર્ક કરવાનો તેમના પરિવારના સભ્યો પ્રયાસ કરી રહ્યા છે. લોકશાહીના પક્ષ અને વિપક્ષ બંને રહે છે, પરંતુ વિપક્ષ હિમાચલ પ્રદેશમાં ગુંડાગીરી કરી રહી છે. વિપક્ષની આ હરકતને હિમાચલ પ્રદેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં. ભાજપની હરકતને હિમાચલની પ્રજા ક્યારેય સ્વીકારશે નહીં.
ઉપરાંત, રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી વચ્ચે વિપક્ષના નેતા કાઉન્ટિંગ હોલમાં આવીને કાઉન્ટિંગ અધિકારીને ધમકાવી રહ્યા હતા, પરંતુ આ બધું લોકશાહી માટે સારી બાબત નથી, એમ જણાવ્યું હતું.
Taboola Feed