
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના સીએમ સુખવિંદર સિંહ સુખુની સરકાર સામે ધારાસભ્યો બાદ હવે મંત્રીઓનો રોષ પણ સામે આવ્યો છે. કેબિનેટની બેઠકમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. સરકારમાં બે મંત્રીઓ રોહિત ઠાકુર અને જગત નેગીએ કેટલાક નિતીગત બાબતો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બાદમાં તે બંને મંત્રીઓ કેબિનેટની બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. ઉલ્લેખનિય છે કે ગેરલાયક ઠરાવવામાં આવેલા ધારાસભ્ય રાજીન્દર રાણાએ સરકારના પતન અંગે કરેલા દાવા બાદ રાજ્યમાં સરકારની અસ્થિરતાને લઈ આશંકા વધુ પ્રબળ બની છે. ડેપ્યુટી સીએમ અગ્નિહોત્રીએ કર્યું ડેમેજ કંન્ટ્રોલ સીએમ સુખવિંદર સિંહ સુખુની સરકારમાં બે મંત્રીઓ રોહિત ઠાકુર અને જગત નેગી કેબિનેટ મિટિંગ અધવચ્ચે છોડીને ચાલી નિકળતા મામલો વણસ્યો હતો.
જો કે આ દરમિયાન ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રીએ તેમને પાછા વાળ્યા હતા. આ અંગે મહેસુલ મંત્રી જગત નેગીએ સ્પષ્ટતા કરી હતી કે કેબિનેટની બેઠક સવારે 11 વાગ્યે મળવાની હતી પણ સીએમ સુખુની અતિવ્યસ્તાના કારણે કેબિનેટની મિટિંગ 12.30 વાગ્યે શરૂ થઈ હતી મિટિંગમાં વિલંબ થવાના કારણે તેઓ આ બેઠક છોડીને ચાલી નિકળ્યા હતા. શિક્ષણ પ્રધાન રોહિત ઠાકુરને મુખ્ય બેઠકમાંથી ઉતાવળમાં બહાર નીકળવાને લઈ કેબિનેટમાં તકરાર થઈ હોવાની અફવાએ વેગ પકડ્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રી તેમની પાછળ દોડીને તેમને પાછા લાવતા જોવા મળ્યા હતા. ઠાકુરે પાછળથી સ્પષ્ટતા કરી કે તેઓ ગુસ્સે નહોતા થયા પરંતુ તેઓ વહેલા જતા રહ્યા હતા કારણ કે તેમનો પુત્ર પ્રથમ વખત હોસ્ટેલમાં જવાનો હતો. બાદમાં તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે જ્યારે તેમને એજન્ડા પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ મીટિંગના અંત સુધી રોકાયા હતા. 9 ધારાસભ્યો બળવાના મૂડમાં રાજ્ય સરકારમાંથી વિક્રમાદિત્ય સિંહના રાજીનામાની જાહેરાતથી સુખુ સરકારની મુશ્કેલી વધી છે. એવી અફવા ચાલી રહી છે કે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વથી મંત્રીમંડળ અને ધારાસભ્યોમાં રોષ છે. કોંગ્રેસના ઓછોમાં ઓછા 9 ધારાસભ્યો બળવો કરે તેવી આશંકા છે, તેમણે પંચકુલામાં વિક્રમાદિત્ય સાથે એક હોટેલમાં મિટિંગ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ પહેલા રાજ્યસભાની એક માત્ર સીટ માટે બિજેપીના ઉમેદવાર હર્ષ મહાજન માટે કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા રાજકારણ ગરમાયું હતું.