નવી દિલ્હી : હવે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેઇમ(Health Insurance) માટે વધુ રાહ નહિ જોવી પડે. ટૂંક સમયમાં તમામ આરોગ્ય વીમા દાવાઓ હોસ્પિટલો અને વીમા કંપનીઓ દ્વારા સિંગલ વિન્ડો નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ( NHCX) દ્વારા શરૂ કરવામાં આવશે. જે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવશે.આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા વિકસિત NHCX તૈયાર છે અને હાલમાં તેની ટ્રાયલ ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “પોર્ટલ લોન્ચ થતાં જ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે. સરકારે શરૂઆતમાં લગભગ 50 વીમા કંપનીઓ અને 250 હોસ્પિટલોને તેની સાથે જોડ્યા છે અને ધીમે ધીમે વધુ હોસ્પિટલો અને વીમા કંપનીઓ તેમાં જોડાશે.વીમા કંપનીઓ અને હોસ્પિટલોના પ્રતિનિધિઓ સાથે વર્કશોપ અને બેઠકો યોજવામાં આવી છે. NHCX પોર્ટલ તૈયાર કરતા પૂર્વે NHAએ વિવિધ વીમા કંપનીઓ અને હોસ્પિટલોના પ્રતિનિધિઓ સાથે વર્કશોપ અને બેઠકો યોજી હતી. આ પછી NHCX પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
સિંગલ પ્લેટફોર્મ દ્વારા સ્વાસ્થ્ય વીમાનો દાવો
વીમા કંપનીઓ પાસે અલગ-અલગ પોર્ટલ હોય છે. જે હોસ્પિટલો, દર્દીઓ અને અન્ય પક્ષકારો માટે દાવાઓની પતાવટ કરવા માટે બોજારૂપ બનાવે છે. આવી સ્થિતિમાં, એકવાર સરકારનું NHCX શરૂ થઈ જાય, પછી આરોગ્ય વીમાના દાવાઓ એક જ પ્લેટફોર્મ દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. હોસ્પિટલો અને વીમા કંપનીઓ આ પ્લેટફોર્મ પર તપાસ કરશે અને તેનાથી દાવાની પ્રક્રિયા ઝડપી બનશે.