
વારાણસી: જ્ઞાનવાપી (Gyanvapi cellar)ના ભોંયરામાં હિંદુઓને પૂજા કરવાની મંજૂરી આપવા અંગેની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. અલ્હાબાદ હાઈકોર્ટ આજે જ્ઞાનવાપી (Gyanvapi cellar) માં હિંદુઓને ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપવાના વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે. વારાણસી જિલ્લા અદાલતે 31 જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી ભોંયરામાં પૂજારી પૂજા કરી શકે છે.
વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર આ આદેશ આપ્યો હતો, જેમણે કહ્યું હતું કે તેમના દાદા સોમનાથ વ્યાસે ડિસેમ્બર 1993 સુધી પૂજા કરી હતી. પાઠકે વિનંતી કરી હતી કે વંશપરંપરાગત પૂજારી તરીકે તેમને ભોંયરામાં પ્રવેશવાની અને પૂજા ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે. મસ્જિદમાં ચાર તહખાના (ભોંયરાઓ) છે અને તેમાંથી એક હજુ પણ વ્યાસ પરિવારની માલિકીની છે.
વારાણસી જિલ્લા અદાલતનો આદેશ મસ્જિદ સંકુલ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અહેવાલને સાર્વજનિક કર્યાના એક દિવસ પછી આવ્યો છે. આ કેસના સંદર્ભમાં એ જ કોર્ટ દ્વારા આદેશ કરાયેલ ASI સર્વેક્ષણમાં સૂચવવામાં આવ્યું હતું કે મસ્જિદ ઔરંગઝેબના શાસન દરમિયાન હિન્દુ મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી. મસ્જિદ સમિતિએ અરજદારના નિવેદનનું ખંડન કર્યું હતું. સમિતિએ કહ્યું કે ભોંયરામાં કોઈ મૂર્તિ હાજર ન હતી, તેથી 1993 સુધી ત્યાં પ્રાર્થના કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.