નવી દિલ્હીઃ ભારતના ડી ગુકેશે ચેસની દુનિયામાં ઈતિહાસ રચી દીધો છે. 18 વર્ષનો ગુકેશ ચેસનો નવો વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તેણે ફીડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવીને ટાઇટલ જીત્યું છે. ભારતીય ગ્રાન્ડમાસ્ટર 14મી ગેમમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ચેમ્પિયન બન્યો હતો. ગુકેશે બ્લેક મોહરા સાથે રમતા જીત હાંસલ કરી હતી. ગુકેશે આ મેચમાં અંતિમ ક્લાસિકલ બાજી જીતી લીધી અને લિરેનના 6.5 પોઇન્ટની સામે જરૂરી 7.5 પોઈન્ટ મેળવ્યા અને ટાઈટલ જીત્યું હતું. ચેમ્પિયન બનવા પર ગુકેશને 2.5 મિલિયન અમેરિકન ડોલરનું ઇનામ મળશે.
ઐતિહાસિક જીત બાદ પત્રકારો સાથે વાત કરતા ચેન્નઇના ગુકેશે કહ્યું હતું કે હું છેલ્લા 10 વર્ષોથી આ ક્ષણનું સપનું જોઇ રહ્યો હતો. હું ખુશ છું કે હું મારા સપનાને સાકાર કરી શક્યો. હું થોડો ભાવુક થઇ ગયો હતો કારણ કે મને જીતની આશા નહોતી પરંતુ પછી મને આગળ વધવાની તક મળી હતી.
આ પણ વાંચો : આનંદો! ભારતનો ડી. ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયન બનવાની દિશામાં એક મોટું ડગલું આગળ વધ્યો…
રમતની શરૂઆત 6.5 પોઈન્ટથી થઈ હતી. ફાઈનલ મેચ પણ ડ્રો તરફ જતી હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ લિરેને ભૂલ કરી અને ગુકેશે જીત હાંસલ કરી હતી. 12 વર્ષ બાદ કોઈ ભારતીય આ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો છે. તે ચેસમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો છે. આ જીત સાથે ડી ગુકેશ વિશ્વ નાથન આનંદની એલિટ ક્લબમાં પ્રવેશી ગયો છે. ગુકેશ વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતનો માત્ર બીજો ચેસ ખેલાડી છે. આ સિદ્ધિ મેળવનાર વિશ્વનાથન આનંદ પ્રથમ ભારતીય ખેલાડી છે.
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ તેના ચીની હરીફ ડીંગ લિરેન સાથે 13 ગેમ બાદ 6.5-6.5થી બરાબરી પર હતો. 14મી ગેમમાં ડીંગ લિરેન વ્હાઇટ મોહરા સાથે રમી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેનું પલડુ ભારે માનવામાં આવી રહ્યું હતું પરંતુ ડી ગુકેશે તમામ અટકળોને ફગાવીને માત્ર મેચ જીતી જ નહી પરંતુ સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. ગુકેશ અગાઉ રશિયાના દિગ્ગજ ગૈરી કાસ્પારોવ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન હતા જેમણે 1985માં અનાતોલી કાર્પોલને હરાવીને 22 વર્ષની ઉંમરમાં ટાઇટલ જીત્યું હતું.
આ શાનદાર જીત સાથે 18 વર્ષનો ડી ગુકેશ હવે ચેસની દુનિયાનો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. આ ઉપરાંત તે વિશ્વનાથન આનંદની ક્લબમાં પણ સામેલ થઇ ગયો છે. વાસ્તવમાં ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બની ગયો છે. જ્યારે વિશ્વનાથન પ્રથમ ભારતીય છે. 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે 2013માં છેલ્લું ટાઇટલ જીત્યું હતું.