Gujarat માં ભારે વરસાદના પગલે મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના, 7 લોકો તણાયા…

મોરબીઃ ગુજરાતના(Gujarat)મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે દરેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોટી દૂર્ઘટના ઘટી છે. હળવદ તાલુકામાં મોડી રાત્રે ટ્રેકટરની ટ્રોલી પલટી જતા તેમાં બેસેલા 17 જેટલા લોકો પાણીમાં તણાયા છે. જેમાંથી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હળવદમાં એક જ દિવસમાં ડૂબી જવાની ત્રણ ઘટના બની છે. કલેક્ટરના જણાવ્યા મુજબ હજુ પણ આ મામલે બચાવ કામગીરી ચાલી રહી છે.
અન્યની શોધખોળ ચાલુ
આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના પગલે લગભગ 10 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે હજુ પણ સાત લોકોનો કોઈ અતોપતો નથી જેમની શોધખોળ ચાલી રહી છે. હાલમાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમનો કાફલો પહોંચ્યો છે.
આ અંગે મોરબી જિલ્લાના કલેક્ટરએ જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે હળવદ તાલુકાના ધાવાના ગામે એક કોઝ વે પરથી પસાર થતું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. પાણીના ભારે વહેણને લીધે આ ટ્રેક્ટર તણાઈ ગયું હતું જેના લીધે 17 જેટલા લોકો પાણીના વહેણમાં વહી ગયા હતા.
આ પણ વાંચો : Gujarat મા છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેધમહેર, સિઝનનો 74.68% વરસાદ નોંધાયો
હળવદના બુટવડામાં યુવક તણાયો
અત્રે ઉલ્લેખનીય છે હળવદમાં એક જ દિવસમાં ડૂબી જવાની ત્રણ ઘટના બની હતી જેમાં હળવદના બુટવડામાં ઘણાંદ પાસેથી પસાર થતી નદીમાં એક પુરૂષ તણાયો હતો. ત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
રીક્ષા સહિત મહિલા તણાઈ હતી
જ્યારે હળવદમાં ધણાંદ ગામે રીક્ષા સહિત મહિલા તણાઈ હતી. રીક્ષામાં સવાર ચાર પૈકી ત્રણ લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે એકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રણમલપુર-હળવદને જોડતા રોડ પરના વોકળા પર આ બનાવ બન્યો હતો. હળવદમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.