આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujaratના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ અને રાજકોટમાં વહેલી સવારથી વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની વિદાય વચ્ચે ફરીથી બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં જિલ્લામાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી વચ્ચે આજે વહેલી સવારથી અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં સવારે સાડા સાત વાગ્યાની આસપાસથી સતત ધોધમાર વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દૃશ્યો સર્જાવા લાગ્યા છે.

આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

માછીમારોને માછીમારી ન કરવા સૂચના

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની સંભાવના છે. એને કારણે આ સમયગાળા દરમિયાન માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ

અમદાવાદમાં આજે વહેલી સવારથી અંધારપટ છવાયેલું છે. ત્યારે સાડા સાત વાગ્યાની આસપાસથી સતત ધોધમાર વરસાદ વરસવાની શરૂ થઈ છે. શહેરના એસ.જી.હાઈવેના મોટાભાગના વિસ્તારો, જુહાપુરા, સરખેજ, વેજલપુર, મકરબા, વટવા, નારોલ, મણિનગર, પાલડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પુર્વ અમદાવાદના મણીનગર, ઓઢવ, સહિત કોટ વિસ્તારમાં ધોધમાર વરસતાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દૃશ્યો સર્જાવા લાગ્યા છે.

રાજકોટમાં જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ

રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા સાથે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, જીવાપર, ગરણી, વીરનગર, પાંચવડામાં વરસાદ છે. જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામમાં ભારે વરસાદ છે. આંબરડી ,ગોડલાધાર, માધવીપુરમાં પણ ધોધમાર વરસાદની સ્થિતિ છે. જસદણમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાનની ભીતિ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button