ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતમાં આરોગ્ય તંત્ર એલર્ટ, હોસ્પિટલના તકેદારી માટે આપ્યા આદેશો…

ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પર વધી રહેલા તણાવને પગલે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ઓપરેશન સિંદૂર બાદ સરકારે આરોગ્ય વિભાગને તમામ સરકારી હોસ્પિટલોમાં તમામ સુવિધાઓની તૈયારી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત ગાંધીનગર પોલીસ વિભાગમાં પણ આજે આંતરિક બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતનું આરોગ્ય વિભાગ સજ્જ
મળતી વિગતો અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોને તાત્કાલિક અસરથી વીજળી પુરવઠા માટે જનરેટર અથવા અન્ય વૈકલ્પિક સ્ત્રોતની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં સારવારમાં વિક્ષેપ ન પડે.
લોહીનો પૂરતો સ્ટોક જાળવવા પણ સૂચના
આ ઉપરાંત, વિભાગે તમામ હોસ્પિટલોને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા અને લોહીનો પૂરતો સ્ટોક જાળવવા પણ સૂચના આપી છે. એટલું જ નહીં, જરૂર પડે તો ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોની મદદ મળી રહે તે માટે તેમની સાથે સંકલન સાધવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે સમગ્ર આરોગ્ય વિભાગને સતર્ક રહેવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.
ગાંધીનગર પોલીસ વિભાગમાં આંતરિક બદલી
આ ઉપરાંત, ગાંધીનગર પોલીસ વિભાગમાં પણ આજે આંતરિક બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક (ગાંધીનગર ગ્રામ્ય) દ્વારા બહાર પાડવામાં આવેલા આ હુકમ અનુસાર, તાત્કાલિક અસરથી 12 પોલીસકર્મીઓની તેમના વર્તમાન ફરજના સ્થળે ફેરબદલી કરવામાં આવી છે. આ બદલી વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનું પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બદલીમાં પી.એ.સોલંકી, એ.એમ.અસારી, એસ.એમ.ચૌધરી, મુકેશ આર.ચૌધરી, ડી.બી.ભુવા, એસ.એલ.પટેલ, આર.જે.સિસોદિયા, એલ.ડી.ઓડેદરા, બી.આર.ચૌધરી, જે.કે.બારડ, એન.એન.દેસાઈ અને જી.બી.ઝાલાનો સમાવેશ થાય છે.