ગુજરાતમાં પક્ષપલટાની મોસમ જામી: અપક્ષના ધારાસભ્યએ રાજીનામું સોંપીને આપ્યું મોટું નિવેદન

અમદાવાદ: વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. ગઇકાલે જ જાહેરાત થઇ ગઇ હતી કે તેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાના છે. આજે રાજીનામું સોંપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે નિવેદન આપ્યું છે કે તેઓ ભાજપમાં જ હતા. જો પાર્ટી કહેશે તો આવનારી ચૂંટણી લડશે.
ચૂંટણીની મોસમ એ પક્ષપલટાની મોસમ ગણાય છે અને હવે ગણતરીના મહિનાઓમાં જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓને પગલે ઘણા ધારાસભ્યોના રાજીનામાના સમાચારો આવી રહ્યા છે. જો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પહેલા ભાજપમાં જ હતા, તેમને 2022માં યોજાયેલી વિધાનસભામાં ચૂંટણી માટે ભાજપે ટિકીટ ન આપતા તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા. અમુક અહેવાલો મુજબ, તેમની ચૂંટણી એફિડેવિટ મુજબ તેઓ વડોદરાના સૌથી ધનિક ઉમેદવાર હતા. મુખ્યત્વે રાજપૂત વોટબેંક પર તેઓ વર્ચસ્વ ધરાવે છે. ગત ચૂંટણીમાં તેઓ 14 હજાર મતોથી ચૂંટાઇ આવ્યા હતા.
હવે તેમના રાજીનામા બાદ ખાલી પડેલી વાઘોડિયાની બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, ત્યારે આ પેટા ચૂંટણી તેમજ લોકસભાની ચૂંટણીમાં પણ વાઘોડિયામાંથી ધર્મેન્દ્ર સિંહ વાઘેલા ફરી ભાજપના ઉમેદવાર બનશે.
અમુક મીડિયા અહેવાલો પ્રમાણે તેમણે રાજીનામું આપતા પહેલા પોતાના સ્થાનિક ટેકેદારો સાથે બેઠક યોજી હતી જેમાં તેમના ટેકેદારો અને અન્ય સમર્થકો સાથે તેમણે ભાજપમાં જવા માટે ચર્ચા પણ કરી હતી.