ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ 5 વર્ષનો કાર્યકાળ કરશે પૂર્ણઃ ઓગસ્ટ નવા પ્રમુખની થશે જાહેરાત?
સૌરાષ્ટ્રમાંથી નવા પ્રમુખની શક્યતા, જૂથવાદ સમાપ્ત કરવાનો ભાજપનો પ્રયાસ થશે?

ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. 20 જુલાઈના દિવસે સીઆર પાટીલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે 5 વર્ષ પૂર્ણ થશે. તેથી 20 જુલાઈ બાદ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી સંભાવના છે. કોઈ કારણસર ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કર્યું નથી. ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. મંગળવારે ભાજપ દ્વારા વિવિધ રાજ્યમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી, તેથી ગુજરાત પ્રદેશ પ્રમુખની ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી ચર્ચા શરૂ થઈ છે.
ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ ક્યાં વિસ્તારમાંથી આવશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત ભાજપની હાલની સ્થિતિ જોતા નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવશે તેવી અટકળો થઈ રહી છે, કારણકે સૌરાષ્ટ્રમાં અમરેલી હોય કે પછી રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, વગેરે સ્થળો પર ભાજપમાં આંતરિક વિખવાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાજપ સ્થિતિ મજબૂત કરવા માટે અને બધાં નેતાઓને સાથે લઈને ચાલે એવા નેતાને પ્રમુખ પદ મળે તેવી સંભાવના જોવા મળી છે.
ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો તેમ છતાં વિસાવદર સીટ જીતી શક્યા નહોતા. તાજેતરમાં થયેલી વિસાવદર પેટાચૂંટણીમાં આ સીટ જીતવા ભાજપે નેતાઓની ફોજ ઉતારી હતી. તેમ છતાં આપ જીતી શક્યું નહોતું. સૌરાષ્ટ્રમાં સંઘ અને સંગઠનમાં મજબૂત ચહેરો હોય તેવા નેતાને ગુજરાતની કમાન સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
કેવી રીતે થાય છે પ્રદેશ પ્રમુખની પસંદગી
ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્ય પ્રધાન બન્નેના જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક થતી હોય છે. પાટીદાર અને ઓબીસી અથવા સવર્ણ અને ઓબીસી એમ ગણિત આંકવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્ય પ્રધાન એક જ જ્ઞાતિમાંથી હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. છેલ્લી બે ટર્મથી ઓબીસી અને સવર્ણ એમ જ્ઞાતિ સમીકરણ આધારે નિમણૂક આપવામાં આવે છે. સીએમ સવર્ણ હોય તો પ્રદેશ પ્રમુખ ઓબીસી હોય તેવા સમીકરણ બેસાડવામાં આવે છે.
આ પણ વાંચો: ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરશે! ગુજરાતમાં કોણ બનશે નવા પ્રદેશ અધ્યક્ષ?
અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખોની યાદી
એ. કે. પટેલ | 1982 – 1985 |
કાશીરામ રાણા | 1993 – 1996 |
વજુભાઈ વાળા | 1996 – 1998 |
રાજેન્દ્રસિંહ રાણા | 1998 – 2005 |
વજુભાઈ વાળા | 29 મે 2005 – 26 ઓક્ટોબર 2006 |
પરષોત્તમ રૂપાલા | 26 ઓક્ટોબર 2006 – 1 ફેબ્રુઆરી 2010 |
આર. સી. ફળદુ | 01 ફેબ્રુઆરી 2010 – 19 ફેબ્રુઆરી 2016 |
વિજય રૂપાણી | 19 ફેબ્રુઆરી 2016 – 10 ઓગસ્ટ 2016 |
જીતુ વાઘાણી | 10 ઓગસ્ટ 2016 – 20 જુલાઈ 2020 |
સીઆર પાટીલ | 20 જુલાઈ 2020થી આજ દિન સુધી |