ગુજરાત ATS એ કચ્છના ગાંધીઘામથી 130 કરોડનું Cocaine જપ્ત કર્યું
અમદાવાદ : ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીકના એક ખાડી વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ.130 કરોડની કિંમતના કોકેઈનના (Cocaine) 13 બિનવારસી પેકેટો મળી આવ્યા હોવાની માહિતી પોલીસે આપી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર કચ્છ-પૂર્વ વિભાગના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દાણચોરોએ તપાસ ટાળવા માટે દરિયાકિનારે ડ્રગ્સ છુપાવ્યું હતું.
કોકેઈનના 13 બિનવારસી પેકેટો જપ્ત કર્યા
તેમણે કહ્યું કે આઠ મહિનામાં આ જ ખાડી વિસ્તારમાંથી ડ્રગ્સની આ બીજી મોટી રિકવરી છે. એટીએસ (ATS) અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપની સંયુક્ત ટીમે ગાંધીધામ શહેર નજીક મીઠી રોહર ગામમાંથી પસાર થતી ખાડી વિસ્તારમાંથી રૂ.130 કરોડની કિંમતના કોકેઈનના 13 બિનવારસી પેકેટો જપ્ત કર્યા હતા
બાગમારે કહ્યું કે દાણચોરો દ્વારા દરિયા કિનારે પ્રતિબંધિત વસ્તુઓ છુપાવવામાં આવી હતી અને પેકેટો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ જ વિસ્તારમાંથી ઝડપાયેલા પેકેટ જેવા જ હતા. તેમણે કહ્યું કે એટીએસ આ કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : નાગપાડામાં રૂ. 80 લાખના કોકેઇન સાથે નાઇજીરિયનની ધરપકડ
પોલીસ અધિક્ષક (એટીએસ) સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, “અમે કચ્છના ગાંધીધામ નજીકના એક ખાડી વિસ્તારમાંથી વહેલી સવારે કોકેઈનના 13 બિનવારસી પેકેટો મળી આવ્યા છે. દરેક પેકેટનું વજન એક કિલોગ્રામ છે. અમે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બર 2023માં કચ્છ-પૂર્વ પોલીસે આ જ વિસ્તારમાંથી કોકેઈનના 80 બિનવારસી પેકેટો ઝડપ્યા હતા. જેમાં પ્રત્યેકનું વજન એક કિલોગ્રામ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 800 કરોડ રૂપિયા હતી.