
ડીસા: બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટની ઘટનામાં 21 જેટલા લોકોનાં જીવ હોમાયા હતા. ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની અને તેના પુત્ર દિપક ખુબચંદ મોહનાની ધરપકડ કરીને પોલીસે પિતા-પુત્ર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે આ બનવામાં તંત્રની ઘોર બેદરકારી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ફેક્ટરીમાં આરોપી ખૂબચંદ સિંધી વર્ષોથી ફટાકડાનો સંગ્રહ કરતો હતો. તેને આપવામાં આવેલી સ્ટોકની પરમિટ 31 ડિસેમ્બર 2024નાં રોજ પૂર્ણ થઈ ગઈ હતી અને તેમ છતાં તેના ગોડાઉનમાં ફટાકડાનો સ્ટોક અને દારૂખાના બારૂદ સહિત વિસ્ફોટક સામાન ભર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે અત્યાર સુધી તંત્ર શું કરી રહ્યું હતું તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. જો આ બાબતની તંત્રને જાણ હોવા છતાં જાણે 21 લોકોનાં જીવની રાહ જોઇ રહ્યું તેમ ઘોર બેદરકારી દાખવી હતી.
સ્થાનિક પોલીસે સોંપ્યો હતો અહેવાલ
પરમિટ વગર જ ગોડાઉનમાં ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું હોય અને આ ગોડાઉનની જોખમી સ્થિતિ હોય તે અંગે સ્થાનિક પોલીસે 12મી માર્ચે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-SDMને એક અહેવાલ સોંપ્યો હતો અને તેમાં તાત્કાલિક અસરથી ગોડાઉન બંધ કરવા ભલામણ કરવામાં આવી હતી. જો કે આ અહેવાલને પ્રાંત અધિકારી નેહા પંચાલે અવગણ્યો હતો અને છેક 1 એપ્રિલ સુધી આ અંગે કોઇ નિર્ણય જ નહોતો લીધો. અને અંતે 1 એપ્રિલનાં રોજ બપોરે આ દુખદ ઘટના સર્જાય હતી જેમાં 21 લોકોનાં જીવ હોમાયા હતા.
20 દિવસથી પડી રહી ફાઇલ
અત્રે એ પણ નોંધવું રહ્યું કે 2025ના પ્રારંભમાં જ તેની પરિમિટની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય આ અંગે પોલીસે 25 ફેબ્રુઆરીએ ગોડાઉનની વિઝિટ કરી હતી અને ગોડાઉનને ફાયર NOC ન હોવાથી તેની પરમિટને રિન્યુઅલ ન કરવા માટે મામલતદારને ભલામણ કરી હતી. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે આગ નજીકની ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે અને આસપાસના પાકનો પણ નાશ કરી શકે છે. આ તારણોના આધારે, તેઓએ લાઇસન્સ રિન્યુઅલને નકારી કાઢ્યું અને 1 માર્ચ, 2025 ના રોજ SDM ઑફિસને પોતાનો રિપોર્ટ મોકલ્યો. ત્યારબાદ મામલતદારે 12મી માર્ચે વિઝિટ કરાવી હતી અને ત્યારબાદ પણ આવી કોઈ જ કાર્યવાહી હાથ ધરી નહોતી. લગભગ છેલ્લા 20 દિવસથી આ પ્રકરણ 21 લોકોનાં મોતનું આમંત્રણ બનીને મામલદાર અને SDM વચ્ચે અટકી પડ્યું હતું.
આપણ વાંચો: રાજકોટમાં સાગઠિયા બાદ TP શાખામાં વધુ એક અધિકારી સામે આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો
SITની રચના
આ બનાવ અંગે IAS અધિકારી ભાવિન પંડ્યાના નેતૃત્વ હેઠળની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જે હવે આ સમગ્ર ઘટનાક્રમમાં તમામ પક્ષે રહેલી ખામીઓની તપાસ કરશે. ટીમમાં DSP વિશાલકુમાર વાઘેલા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટર એચ પી સિંઘવી અને ચીફ એન્જિનિયર જે. એ. ગાંધીનો સમાવેશ થાય છે.