ટોપ ન્યૂઝનેશનલ

‘રાજ્યપાલો રાજકારણથી ઉપર ઉઠે…’, સુપ્રીમ કોર્ટના જજે રાજ્યપાલોને ટકોર કરી

બેંગલુરુ: છેલ્લા કેટલાક સમયથી કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ રાજ્યપાલની ભૂમિકા સામે ગંભીર સવાલો (Stat government-Governor conflict) ઉઠાવ્યા છે, દિલ્હીના ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર વચ્ચેનો વિવાદ જાણીતો છે. એવામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરત્ના(Justice B V Nagarathna) એ શનિવારે રાજ્યપાલોની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે રાજ્યપાલ એવી ભૂમિકા ભજવી રહ્યા છે જ્યાં તેમણે દખલ કરવી ન જોઈએ. જ્યારે તેઓએ સક્રિય રહેવું જોઈએ અને તેમની ભૂમિકા ભજવવી જોઈએ, ત્યારે તેઓ કામ નથી કરતા. સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલો સામે ચાલી રહેલા મામલાઓ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું.

નોંધનીય છે કે કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ તેમના રાજ્યપાલો દ્વારા બિલને મંજૂરી ન આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે, એવામાં જસ્ટિસ બીવી નાગરત્નાની ટિપ્પણી મહત્વની છે. બંધારણના અનુચ્છેદ 361 હેઠળ રાજ્યપાલોને અપરાધિક કાર્યવાહીથી અપાયેલી પ્રતિરક્ષાના પ્રશ્નને અલગ કેસમાં તપાસવા માટે પણ અદાલત સંમત થઈ છે.

બેંગલુરુમાં નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (NLSIU )માં પેક્ટ કોન્ફરન્સમાં સમાપન મુખ્ય વક્તા તરીકે જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે આજના સમયમાં, કમનસીબે, ભારતના કેટલાક રાજ્યપાલો એવી ભૂમિકાઓ ભજવી રહ્યા છે જે તેમણે ભજવવી જોઈએ નહીં અને તેઓ જ્યાં ભૂમિકા ભજવવી જોઈએ ત્યાં નિષ્ક્રિય રહે છે. સર્વોચ્ચ અદાલતમાં રાજ્યપાલો સામેના કેસો એ ભારતમાં રાજ્યપાલના બંધારણીય પદ માટે કમનસીબી રૂપ છે.

રાજ્યપાલોની નિષ્પક્ષતાના મુદ્દે વકીલ અને સામાજિક કાર્યકર્તા દુર્ગાબાઈ દેશમુખને ટાંકીને ન્યાયમૂર્તિ નાગરત્નાએ કહ્યું કે રાજ્યપાલ પાસે કંઈક કામ કરવાની અપેક્ષા છે. આપણે બંધારણમાં રાજ્યપાલનો સમાવેશ કર્યો છે, કારણ કે આપણને લાગે છે કે જો રાજ્યપાલ ખરેખર તેમની ફરજો પ્રત્યે સભાન હોય અને તે સારી રીતે કામ કરે તો, વિરોધાભાસી જૂથો વચ્ચે એક પ્રકારની સમજ અને સુમેળ લાવી શકે છે. તે આ હેતુ માટે જ પ્રસ્તાવિત છે. ગવર્નન્સનો વિચાર રાજ્યપાલને પક્ષના રાજકારણ અને જૂથબંધીથી ઉપર રાખવાનો છે.

કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોત અને રાજ્યની કોંગ્રેસ સરકાર વચ્ચે કથિત MUDA (મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) સ્થળ ફાળવણી કૌભાંડમાં ચાલી રહેલા મતભેદ વચ્ચે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણી આવી છે. આ કથિત કૌભાંડમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીનું નામ સામે આવ્યું છે.

રાજ્યપાલ ગેહલોતે ગયા અઠવાડિયે સિદ્ધારમૈયાને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. ગુરુવારે, કર્ણાટક સરકારે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં રાજ્યપાલને નોટિસ પાછી ખેંચવાની સલાહ આપવામાં આવી હતી.

જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે ભારતીય બંધારણવાદને વધુ મજબૂત કરવા માટે, રાષ્ટ્રએ ‘સંઘવાદ, બંધુત્વ, મૂળભૂત અધિકારો અને સૈદ્ધાંતિક શાસન’ પર ભાર મૂકવો જોઈએ. કેન્દ્ર અને વિપક્ષ શાસિત રાજ્યો વચ્ચે વધતા ઘર્ષણ વચ્ચે, જસ્ટીસ નાગરરત્નાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યપાલોએ રાજ્યોને ‘અક્ષમ અથવા આધીન’ તરીકે ગણવું જોઈએ નહીં અને મંત્ર બંધારણીય શાસનનો હોવો જોઈએ.

તેમણે કહ્યું કે એ ધ્યાનમાં રાખવું પડશે કે સંઘ અને રાજ્યને અનુક્રમે રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અધિકાર છે. રાજ્યના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિષયો બિનમહત્વપૂર્ણ નથી અને રાજ્યોને અસમર્થ અથવા ગૌણ ગણવા જોઈએ નહીં. બંધારણીય રાજનીતિની ભાવના અને પક્ષવિહીન મુત્સદ્દીગીરીનો મંત્ર હોવો જોઈએ.

2021માં સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થયેલા જસ્ટિસ નાગરત્ના ઘણા ઐતિહાસિક નિર્ણયોનો હિસ્સો રહ્યા છે. જસ્ટિસ નાગરત્ના સપ્ટેમ્બર 2027માં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બનશે. તેમણે ઘણા મહત્વપૂર્ણ અસંમત અભિપ્રાયો આપ્યા છે. 2023 માં નોટબંધીને સમર્થન આપતા સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ન્યાયાધીશ નાગરત્ના અસંમત હતા, તેમણે યોગ્ય પ્રક્રિયામાં રહેલી ખામીઓને હાઇલાઇટ કરી હતી. તે જ વર્ષે, 26-અઠવાડિયાના ગર્ભપાત અંગેના કેસમાં, તેમણે ગર્ભના અધિકારો પર સ્ત્રીની સ્વાયત્તતાને પ્રાથમિકતા આપી હતી, જયારે બેન્ચના બીજા જજ જસ્ટિસ હિમા કોહલીએ ગર્ભપાત વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…