
નવી દિલ્હીઃ રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારી મોરચે રાહતના સમાચાર જાણવા મળ્યા છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો (WPI) ઘટીને ૦.૨૭ ટકા થયો હતો, જ્યારે તેનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડાનું પરિબળ જવાબદાર હતું. ડિસેમ્બર 2023માં તે 0.73 ટકા હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યૂપીઆઇ) આધારિત ફુગાવો એપ્રિલથી ઓક્ટોબર સુધી સતત શૂન્યથી નીચે રહ્યો હતો. નવેમ્બરમાં તે 0.39 ટકા નોંધાયો હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યૂપીઆઇ) આધારિત ફુગાવો જાન્યુઆરીમાં 0.27 ટકા (અસ્થાયી) હતો. જાન્યુઆરી 2023માં જથ્થાબંધ ફુગાવો 4.8 ટકા હતો.
સરકારી અહેવાલ અનુસાર જાન્યુઆરી 2024માં ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 6.85 ટકા હતો જે ડિસેમ્બર 2023માં 9.38 ટકા હતો. શાકભાજીનો મોંઘવારી દર જાન્યુઆરીમાં 19.71 ટકા હતો, જે ડિસેમ્બર 2023માં 26.3 ટકા હતો. જાન્યુઆરીમાં કઠોળમાં જથ્થાબંધ ફુગાવો 16.06 ટકા હતો જ્યારે ફળોમાં તે 1.01 ટકા હતો.
હજુ બે દિવસ પહેલા જ છૂટક ફુગાવાના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતા. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના ડેટા અનુસાર જાન્યુઆરીમાં તે ઘટીને 5.10 ટકા થઈ ગયો. જ્યારે ડિસેમ્બરમાં તે 5.69 ટકા હતો.
નોંધનીય છે કે રિટેલ મોંઘવારી દરની સીધી અસર લોકોના ખિસ્સા પર પડે છે. આરબીઆઈને રિટેલ ફુગાવાનો દર 2 ટકાના તફાવત સાથે 4 ટકા પર રાખવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જો છૂટક ફુગાવાનો દર 2-6 ટકાની વચ્ચે હોય તો તેને સંતોષકારક સ્થિતિ માનવામાં આવે છે.