
રમેશ કે ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના અનુગામી તરીકે ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ ગવર્નર કેવિન વાર્શની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હોવાના નિર્દેશો સાથે તેઓ ભવિષ્યમાં સત્તા ગ્રહણ કરતાં તંગ નાણાનીતિ અપનાવે તેવી ભીતિ સપાટી પર આવતા ગત શુક્રવારે વૈશ્વિક બજારમાં સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓ સહિત કોપરના ભાવમાં જે અનાપશનાપ તેજી જોવા મળી હતી તે પટકાઈ ગયા હતા. તેમાં પણ ખાસ કરીને સોના અને ચાંદીમાં વર્ષ 1980 પછીનો સૌથી મોટો કડાકો બોલાઈ ગયો હતો અને રોકાણકારો માટે બ્લેક ફ્રાઈડે પુરવાર થયો હતો. આમ વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં પણ ગત ગુરુવાર સુધી એકતરફી તેજી જોવા મળ્યા બાદ શુક્રવારે ભાવમાં કડાકા બોલાઈ ગયા હતા. સ્થાનિક બજારમાં ગત ગુરુવાર સુધીમાં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યો હોવાથી માત્ર રોકાણલક્ષી માગને બાદ કરતાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હતી, જ્યારે શુક્રવારે વધુ ભાવઘટાડાના આશાવાદે માગ શાંત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, હવે બજાર વર્તુળોની નજર આવતીકાલે (રવિવારે) જાહેર થનારા નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રના પ્રસ્તાવો પર સ્થિર થઈ છે. તાજેતરમાં સોના અને ચાંદીના ભાવ વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હોવાથી નાણાં પ્રધાન દાણચોરીના દૂષણને ડામવા ડ્યૂટીમાં ઘટાડો કરવા જેવું કોઈ પગલું લે છે કે નહીં તેના પર બજાર વર્તુળોની મીટ છે. જોકે, સ્થાનિક જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર અંદાજપત્રમાં એવા પગલાંની અપેક્ષા રાખે છે કે જે ખર્ચ ઘટાડે, વેપાર પ્રક્રિયાઓને સરળ બનાવે, સ્થાનિક માંગમાં વધારો કરે અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પણ વધારો કરે.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 23મી જાન્યુઆરીના રૂ. 1,54,310ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,59,027ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,58,901 અને ઉપરમાં રૂ. 1,76,121ની નવી ઊંચી સપાટી સુધી પહોંચીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 11,485ના અથવા તો 7.44 ટકાના સુધારા સાથે રૂ. 1,65,795ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના ભાવ આગલા સપ્તાહના અંતના કિલોદીઠ રૂ. 3,17,705ના બંધ સામે ઉછાળા સાથે રૂ. 3,42,507ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. 3,85,933 સુધી ઉછળ્યા બાદ સપ્તાહના અંતે રૂ. 3,39,350ની નીચી સપાટીએ બંધ રહ્યા હતા. આમ ચાંદીમાં સાપ્તાહિક ધોરણે રૂ. 21,645નો અથવા તો 6.81 ટકાનો સુધારો નોંધાયો હતો.
અત્યાર સુધી સોનામાં જોવા મળેલી તેજીના મુખ્ય કારણોમાં સૌ પ્રથમ તો અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટૅરિફ નીતિને કારણે વૈશ્વિક બજારમાં વેપાર અંગે અનિશ્ચિતતા પ્રમાણ વધવાને કારણે સલામતી માટેની માગમાં વધારો થયો હતો. વધુમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધ ઉપરાંત તાજેતરમાં અમેરિકાએ વેનેઝુએલાની તેલની અનામતો પર નિયંત્રણ મેળવ્યા બાદ ગ્રીનલેન્ડ કબજે કરવાના મુદ્દે વધેલા ભૂરાજકીય તણાવને કારણે સોના અને ચાંદીની તેજીને ઈંધણ મળ્યું હતું. આ સિવાય છેલ્લાં ઘણાં સમયથી ખાસ કરીને ઊભરતા અર્થતંત્રો સહિતના અન્ય દેશોની કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં જળવાઈ રહેલી લેવાલી તેજી માટેનું મુખ્ય પરિબળ પુરવાર થયું છે. જોકે, તાજેતરમાં જોવા મળેલા ઘટાડા માટે માત્ર એક જ પરિબળ રહ્યું છે અને તે છે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તરીકે કૅવિન વાર્શ. બજાર વર્તુળોનું માનવું છે કે તેઓ નાણાનીતિમાં સાવચેતીનો અભિગમ અપનાવશે અર્થાત્ તેઓ તંગ નાણાનીતિ અપનાવશે અને વ્યાજદરમાં અપેક્ષિત કપાત જોવા નહીં મળે તેવી ભીતિ સપાટી પર આવતા સોના, ચાંદી અને કોપર જેવી ધાતુઓના ભાવ કડડડભૂસ થયા હતા. એકંદરે ભૂરાજકીય તણાવ, વર્તમાન ટૅરિફના દર અને ટ્રમ્પની ટૅરિફની ધમકીઓ જેવાં કારણોસર અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ગત સાલ કરતાં વધુ માત્રામાં વધારો જોવા મળ્યો હોવાનું એબીસી રિફાઈનરીનાં ઈન્સ્ટિટ્યૂશનલ માર્કેટના હેડ નિકોલસ ફ્રેપેલે જણાવતાં ઉમેર્યું હતું કે જ્યારે તમારી પાસે અસ્ક્યામત તરીકે સોનું હોય તો તે ડેબ્ટ, બૉન્ડ કે ઈક્વિટી સાથે સંકળાયેલું નથી હોતુ અથવા તો કંપનીની કામગીરીને કારણે થતી સકારાત્મક-નકારાત્મક અસરોથી સોનું મુક્ત હોય છે. આથી જ અનિશ્ચિતતાના સંજોગોમાં રોકાણ તરીકેના શ્રેષ્ઠ સાધનમાં સોનાનો સમાવેશ થાય છે.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજરમાં સોનાના ભાવ પાંચ ટકા જેટલા ઘટીને આૈંસદીઠ 4864.35 ડૉલર આસપાસ અને હાજરમાં ચાંદીના ભાવ 11 ટકા જેટલા ઘટીને આૈંસદીઠ 84.65 ડૉલરના મથાળે રહ્યાના અહેવાલ હતા. નોંધનીય બાબત એ છે કે ગત જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવમાં અંદાજે 17 ટકાનો અને ચાંદીના ભાવમાં 39 ટકાનો ઉછાળો આવ્યો હતો. તાજેતરમાં બન્ને કિંમતી ધાતુઓમાં જોવા મળેલી અનાપશનાપ તેજી બાદ સટ્ટાકીય વેચવાલીના દબાણે કડાકા બોલાઈ ગયા હતા. જોકે, સટ્ટોડિયાઓ સુપેરે જાણે છે કે આ બેતરફી બજાર છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે લંડન ખાતે કોપરના ભાવ જે ગુરુવારે વધીને ટનદીઠ 14,527.50 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા તે શુક્રવારે 1.1 ટકાના ઘટાડા સાથે 13,465 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે જાન્યુઆરી મહિનામાં કોપરમાં 11 ટકાનો ભાવવધારો જોવા મળ્યા બાદ છ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
જોકે, આગામી સમયગાળા દરમિયાન કોપર અને અન્ય કિંમતી ધાતુઓમાં ફંડોનો પ્રવાહ જળવાઈ રહેતાં ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળે તેવો આશાવાદ એલાઈસ ફોક્સનાં વિશ્લેષક મેક્વેરીએ વ્યક્ત કર્યો હતો, જ્યારે અમુક વિશ્લેષકોનું માનવું છે કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોના-ચાંદીમાં ભારે ચંચળતાનું વલણ જળવાઈ રહેશે. નોંધનીય બાબત એ છે કે હાલની અફરાતફરીના માહોલમાં ચાઈનીઝ પંટરો વાયદામાં નવી પોઝિશન લેવાથી દૂર રહ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા.



