IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ગોયેન્કા અને કેએલ રાહુલ વચ્ચેનો મામલો હવે ઠંડો પડી ગયો…

New Delhi: ‘નુકસાન થયા પછીનો પસ્તાવો’ એવું ઘણી વાર આપણને જોવા કે સાંભળવા મળતું હોય છે.
ગયા અઠવાડિયે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પછીની લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની 10 વિકેટે કારમી હાર થયા પછી લખનઊના ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કાએ ટીમના કૅપ્ટન કેએલ રાહુલને જાહેરમાં ઉગ્ર મિજાજમાં જોરદાર ઠપકો આપ્યો હોવાનો વીડિયો અને ફોટોગ્રાફ વાઇરલ થયા પછી હવે મામલો શાંત પાડી દેવામાં આવ્યો એવા અર્થનો અહેવાલ મંગળવારથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. માત્ર અહેવાલ જ નહીં, રાહુલ ટીમના માલિક ગોયેન્કાને ભેટી રહ્યો હોવાનો ફોટો પણ વાઇરલ થયો છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સોમવારે રાત્રે ગોયેન્કાએ પોતાના નિવાસસ્થાને ડિનર-પાર્ટી રાખી હતી જેમાં તેમણે રાહુલને આમંત્રણ આપ્યું હતું.
મીડિયામાં શૅર કરવામાં આવેલા ફોટો સાથે સ્ટોરીમાં લખવામાં આવ્યું હતું કે ‘સંજીવ ગોયેન્કા દિલ્હીમાં સોમવારે રાત્રે સ્પેશિયલ ડિનર વખતે એકમેકને ભેટી રહેલા સંજીવ ગોયેન્કા અને કેએલ રાહુલ. ઑલ ઇઝ વેલ ઍટ એલએસજી કૅમ્પ.
એક અખબારી અહેવાલ પ્રમાણે રાહુલની ટીમે જે રીતે નબળી બૅટિંગ કરી એનાથી ગોયેન્કા નારાજ હતા. હૈદરાબાદના હાઈ-સ્કોરિંગ સ્થળે લખનઊની ટીમનો બૅટિંગ-અપ્રોચ શું હતો એ ગોયેન્કા કૅપ્ટન રાહુલ પાસેથી જાણવા માગતા હતા અને ક્યાં શું ખોટું થયું એ તેને સમજાવી રહ્યા હતા.

લખનઊની ટીમના સહાયક કોચ લાન્સ ક્લુઝનરે પત્રકારો સાથેની વાતચીતમાં ગોયેન્કા-રાહુલ વચ્ચેની બુધવાર, આઠમી મેની મૅચ પછીની ઘટના વિશે કહ્યું, ‘મારા મતે બે ક્રિકેટચાહકો વચ્ચેની એ ચર્ચા હતી. અમારા માટે એ કોઈ મોટી કે ગંભીર બાબત નહોતી.’

લખનઊએ ચાર વિકેટે માત્ર 165 રન બનાવ્યા ત્યાર બાદ હૈદરાબાદે વિના વિકેટે 167 રન બનાવી લીધા હતા. ઓપનર્સ ટ્રેવિસ હેડ (30 બૉલમાં 89 અણનમ) અને અભિષેક શર્મા (28 બૉલમાં 75 અણનમ)ની જોડીએ માત્ર 9.4 ઓવરમાં હૈદરાબાદને જિતાડી દીધું હતું. આ પરાજયને કારણે લખનઊએ પ્લે-ઑફ માટે બાકીની બન્ને મૅચ જીતવાની આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button