નવી દિલ્હી: વર્ષ 2024 એ ભારતમાં ગરમીના અગાઉના તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ માહિતી આપી છે કે આ વર્ષ 1901 પછી સૌથી ગરમ વર્ષ તરીકે નોંધવામાં આવ્યું હતું. સરેરાશ લઘુત્તમ તાપમાન લાંબા ગાળાની સરેરાશ કરતાં 0.90 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું, જે 123 વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યું છે.
1901 પછીનું સૌથી ગરમ વર્ષ
2024નું વર્ષ 1901 પછીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ લઘુત્તમ તાપમાન લાંબા ગાળાનાં સરેરાશ કરતા 0.90 ડિગ્રી વધુ હતું. હવામાન વિભાગના મહાનિર્દેશક (IMD) મૃત્યુંજય મહાપાત્રાએ પ્રેસ બ્રીફિંગમાં આ માહિતી આપી હતી. વર્ષ 2024 હવે 2016ને પાછળ છોડીને 1901 પછીનું સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું છે. આ વર્ષે જમીનની સપાટીનું તાપમાન 0.54 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયું હતું.
આ પણ વાંચો : દુશ્મનોની ઊંઘ હરામ કરવા નૌકાદળ સજ્જઃ નેવીના કાફલામાં ‘સુરત’ અને ‘નીલગીરી’ નામના આધુનિક યુદ્ધ જહાજો સામેલ થશે…
IMDએ કહ્યું, ” લઘુત્તમ તાપમાનમાં વધારો”
IMD અનુસાર, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ફેબ્રુઆરીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન અત્યાર સુધીનું બીજા ક્રમનું સૌથી વધારે હતું. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “લાંબા ગાળાના ડેટા દર્શાવે છે કે દેશના મોટાભાગના ભાગોમાં, ખાસ કરીને ચોમાસા પછી અને શિયાળાની ઋતુઓમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.”
2024 માં 41 દિવસ આકરી ગરમીના
યુરોપિયન ક્લાઈમેટ એજન્સી કોપરનિકસના જણાવ્યા અનુસાર વર્ષ 2024નું તાપમાન 1850 થી 1900ના તાપમાન કરતા દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું છે. આબોહવા વૈજ્ઞાનિકોના બે જૂથ વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન અને ક્લાઈમેટ સેન્ટ્રલ દ્વારા વાર્ષિક સમીક્ષા અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વ 2024 માં 41 દિવસ ખૂબ જ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો.