ઘોસાળકરની હત્યા મુદ્દે ‘રાજકારણ’ ગરમાયુંઃ રાજીનામા મુદ્દે ફડણવીસે આપ્યું મોટું નિવેદન
શિવસેના, કોંગ્રેસ સહિત મનસેએ પણ આપી દીધી પ્રતિક્રિયા
મુંબઈઃ છેલ્લા એક અઠવાડિયામાં મુંબઈમાં એકસાથે બે ફાયરિંગની ઘટના બન્યા પછી મહારાષ્ટ્રમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. ઠાકરે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાળકરની ગોળી મારીને હત્યા મુદ્દે રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. હત્યા મુદ્દે મહારાષ્ટ્ર સરકાર વતીથી ઉચ્ચ સ્તરીય તપાસ કરવાના આદેશ વચ્ચે હવે રાજકારણીઓએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનું રાજકારણ શરૂ કરી દીધું છે.
આ મુદ્દે મહારાષ્ટ્રની વિપક્ષી પાર્ટીએ ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું માગ્યું હતું. એના સંબંધમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મહત્ત્વનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. બીજી બાજુ કોંગ્રેસે પણ સરકારની ટીકા કરવાની સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ હાલની પરિસ્થિતિ અંગે સ્ફોટક પ્રતિક્રિયા આપી હતી.
ગૃહ પ્રધાનના રાજીનામા મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ઘોસાળકરની હત્યાની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કેટલાક લોકો આ ઘટનાને રાજકીય રંગ આપી રહ્યા છે, જે યોગ્ય નથી. બીજી તરફ વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહી છે. આ અંગે વાત કરતા ફડણવીસે કહ્યું હતું કે વિરોધ પક્ષની સ્થિતિ એવી છે કે જો એક કૂતરો ગાડાની નીચે આવશે તો પણ તેઓ ગૃહપ્રધાનના રાજીનામાની માંગ કરશે.
દરમિયાન, શિવસેના નેતા સંજય રાઉતે ઘોસાળકર પર ગોળીબાર બાદ રાજ્ય સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે મોદી-શાહે આ સરકાર આપણા પર લાદી છે તો હવે તેમની જવાબદારી છે કે આ સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લાદે.
અજિત પવારે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે દહિસરમાં જે ઘટના બની તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આવી ઘટનાઓ મહારાષ્ટ્રમાં ન થવી જોઈએ. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં ગોળીબારના ત્રણ કેસ થયા છે. થોડા દિવસો પહેલા મુળશીમાં ગેંગસ્ટર શરદ મોહોલને તેના સાથીઓએ દિવસે દિવસે ગોળી મારી દીધી હતી. ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિંદે જૂથના એક પદાધિકારી પર ફાયરિંગ કર્યું હતું. આવી જ ઘટના દહિસરમાં બની હતી. આ ત્રણેય બનાવમાં આરોપી અને પીડિતા એકબીજાના ઓળખીતા હતા. તેમની વચ્ચેનો વિવાદ ફાયરિંગમાં પરિણમ્યો છે.
દરમિયાન, હથિયારના લાઇસન્સ આપવા બદલ પોલીસની ટીકા થઈ રહી છે. અજિત પવારે આ ટીકાનો પણ જવાબ આપ્યો. અજિત પવારે કહ્યું હતું કે પોલીસ ખૂબ જ જવાબદારીપૂર્વક હથિયાર લાઇસન્સ આપે છે, પરંતુ એ પણ સાચું છે કે કેટલાક લોકો લાયસન્સ વગર હથિયારો રાખતા થઈ ગયા છે.
બીજી બાજુ કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ગૃહ પ્રધાનની ટીકા કરી હતી. ફડણવીસના રાજીનામાની પ્રતિક્રિયાને વખોડતા તેમણે કહ્યું હતું કે ફડણવીસનું નિવેદન જવાબદાર વિનાનું છે. તેઓ પ્રાણી અને માણસ વચ્ચેનો ફરક સમજતા નથી. તેમણે National Crime Records Bureau (NCRB)ના અહેવાલને ટાંકીને કહ્યું હતું કે સૌથી વધુ ગેરકાયદે બંદૂક ફડણવીસના મતવિસ્તાર નાગપુરમાં છે, ત્યાર બાદ થાણે અને મુંબઈનો નંબર આવે છે. ભેટસોગાદ આપવામાં આવતી હોય તેમ બંદૂકના લાયસન્સ મળે છે. ગુંડાઓને આશરો આપવામા આવે છે અને ભ્રષ્ટ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવે છે, એવો તેમણે દાવો કર્યો હતો.
દરમિયાન ઘોસાળકરની હત્યા મુદ્દે મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ પણ ઝંપલાવ્યું હતું. તેમણે પક્ષ પ્રમુખ રાજ ઠાકરેનો એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો જૂનો છે, જેમાં રાજઠાકરે કહે છે કે મુંબઈની અને મહારાષ્ટ્રની પોલીસ સક્ષમ છે, પરંતુ તેમને ઓર્ડર નથી મળતા. જો તેમને માત્ર 48 કલાક આપવામાં આવે તો આખા રાજ્યમાંથી ગુનાખોરીનો સફાયો થઈ જાય. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં લૉ છે, પણ ઓર્ડર નથી. પોલીસને જો હોમ ડિપાર્ટમેન્ટ તરફથી ઓર્ડર મળે તો તેઓ ગુનાખોરીનો સફાયો કરી નાખે.