ટોપ ન્યૂઝ

વર્લ્ડ હાર્ટ ડે પર “મુંબઇ સમાચાર”ની એક પહેલ

ગરબાના ખેલૈયાઓએ શું ધ્યાન રાખવું જોઇએ?

નવરાત્રી મહોત્સવ એટલે માતાજીની આરાધનાનું પર્વ. માતાજીની ભક્તિ કરતાં કરતાં ગરબા રમવા તે આપણી ગુજરાતીઓની સંસ્કૃતિ છે. ગયા વર્ષે પણ લોકો મન મૂકી અને ઝુમ્યા હતા, પરંતુ કોરોના કાળ બાદ છેલ્લા છ આઠ મહિનાથી સ્થિતિ બદલાઇ ગઇ છે. જીમમાં કસરત કરવાથી, ક્રિકેટ રમતા રમતા, ગરબા રમતા.. ટુંકમાં વધુ પડતા શ્રમને કારણે યંગ ડેથનું પ્રમાણ આંચકાજનક રીતે વધી ગયું છે. અહીં કોઈ ખેલૈયાઓને ડરાવવાની વાત નથી, પરંતુ સતર્ક, જાગૃત, રહેવા માટેની મુંબઈ સમાચારની આ એક પહેલ છે.

સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને સ્પર્ધાત્મક ભાવના વધારે જોવા મળે છે. લાખેણા ઇનામો જીતવા માટે બહુ બધા પ્રયત્નો થતા હોય છે. સતત ત્રણ કલાક સુધી ખેલૈયાઓ ગરબામાં નાચતા હોય છે,પરંતુ હવે પરિસ્થિતિ બદલાયેલી છે. ગરબા શીખવતા કોરિયોગ્રાફરના કહેવા મુજબ લોકોને ગરબા રમવાની કેપેસિટી ઘટી છે. આવા સંજોગોમાં સ્પર્ધાત્મક ભાવના સાથે શ્વાસ ફુલાઈ જાય ત્યાં સુધી સતત રમવું ઘાતક સાબિત થઈ શકે છે.


આ અંગે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર દિનેશ રાજને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કોરોના પછી લોકોના ફેફસાં ઉપર અસર થઈ છે. આવા સંજોગોમાં કોઈપણ શારીરિક શ્રમ કરતી વખતે જો શ્વાસ ભરાઈ જાય તો તે કાર્ય પડતું મૂકી અને બેસી જવું અન્યથા તકલીફ વધી શકે છે.

ડો.નિલાંગ વસાવડા પણ લોકોને વઘુ પડતો શ્રમ ન કરવા સલાહ આપે છે. આ કોઈ ડરાવવાની વાત નથી પરંતુ જાગૃત કરવા માટેની એક ભાવના છે. આ માટે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ને તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર અતુલ પંડ્યાને મુંબઈ સમાચારની લાગણી રજૂ કરતા તેઓએ વાતને વધાવી લીધી છે. રામભાઈ મોકરીયાએ આજ રોજ મુંબઈ સમાચારની આ વાત ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સમક્ષ પણ મૂકી છે અને સમગ્ર ગુજરાતમાં અમુક નિયમોને આધીન ખેલૈયાઓ આનંદ કરે તેવા પ્રયત્નો કર્યા છે. આવનારા નવરાત્રી મહોત્સવમાં કોઈ અજુગતી ઘટના ન ઘટે તે માટેના તમામ પ્રયત્નો કરવા માટે પ્રશાસન સાથે પણ વાત કરવાની સરકાર તરફથી તૈયારી દર્શાવી છે.


મુંબઈ સમાચારની ઈચ્છા છે કે ગરબાના આયોજકોએ સ્થળ પર તાત્કાલિક સારવાર કેન્દ્ર ઊભું કરવું જોઈએ. આયોજન સમિતિમાંથી ત્રણથી ચાર હેલ્થ વોરિયર તૈયાર કરી તેઓને cprની ટ્રેનિંગ પણ આપવી જોઈએ, અને તે માટે કલેક્ટર તથા પોલીસ કમિશનરને મળી અને નિયમમાં ફેરફાર કરાવી તાત્કાલિક તબીબી સારવાર મળી રહે એવી વ્યવસ્થા જે તે આયોજકોએ ફરજીયાત ઉભી કરવાની રહેશે.નવરાત્રી પર્વ એ માતાજીની આરાધના સાથે સાથે આનંદ કરવા માટેનું પર્વ છે તેમાં વિક્ષેપ ન પડે તે માટે લોકોને માત્ર જાગૃત કરવા માટેનો પ્રયત્ન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button