ટોપ ન્યૂઝ

રાજઘાટ પર એક મિનિટનું મૌન પાળી જી-20ના નેતાઓએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ જી-20 સમિટમાં ભાગ લેવા આવેલા નેતાઓ આજે સવારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના આગમન પહેલા જ રાજઘાટ પર હાજર હતા. તેમણે તમામ નેતાઓને ખાદીની શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઇડેન મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને પુષ્પાંજલિ અર્પણ કરવા દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બાઇડેન, યુકેના વડા પ્રધાન ઋષિ સુનક, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ અને અન્ય રાજ્ય અને સરકારના વડાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓએ એક મિનિટનું મૌન પાળ્યું હતું અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.


રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા આવેલા અન્ય મહાનુભાવોમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ, એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ માસાત્સુગુ આસાકાવા, IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત યુનાઈટેડ મેક્સિકન સ્ટેટ્સના ઈકોનોમી મિનિસ્ટર રાક્વેલ બ્યુનોસ્ટ્રો સાંચેઝ દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.


સ્પેનના ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો, સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ, નેધરલેન્ડના વડા પ્રધાન માર્ક રુટ્ટે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને અન્ય ઘણા નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા.

દિલ્હીમાં ચાલી રહેલા G20 સમિટનો આજે છેલ્લો દિવસ છે. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તમામ નેતાઓ ભારત મંડપમ પરત ફર્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ તેઓ વન ફ્યુચર નામના સમિટના ત્રીજા સત્રમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ સત્રમાં દિલ્હી મેનિફેસ્ટોને સ્વીકારવામાં આવશે, જેને શનિવારે મંજૂરી આપવામાં આવી હતી.


ભારતના G20 પ્રમુખપદ હેઠળ આયોજિત G20 સમિટના પ્રથમ દિવસે, તમામ સભ્ય દેશોએ 55-સભ્ય દેશોના આફ્રિકન યુનિયન (AU)ને વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓના ઉચ્ચ વર્ગમાં લાવવાના મોદીના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. 1999 માં તેની સ્થાપના પછી G20 નું આ પ્રથમ વિસ્તરણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો