જયપુર: રાજસ્થાનના બિકાનેરમાં એક ચકચાર મચાવનારી ઘટના બની છે. એક જ પરિવારના પાંચ લોકોએ ગળેફાંસો ખાઇ જીવન ટૂકાવ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને બાળકો છે. આ ઘટના મુક્તાપ્રસાદ નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંત્યોદયનગરમાં બની છે. આ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. જ્યારે પરિવારના પ્રમુખનો મૃતદેહ જમીન પર પડેલો મળી આવ્યો છે.
આર્થિક ભીંસને કારણે આ પરિવારે અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક જાણકારી પોલીસે આપી હતી. જોકે આ પરિવારના સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. હનુમાન સોની (45), તેમની પત્ની વિમલા (40), દીકરો મોહિત (18), ઋષી (16) અને દીકરી ગુડિયા (14) આ મૃતકોના નામ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચારેયના મૃતદેહ અલગ અળગ ઓરડામાંથી મળી આવ્યા હતાં.
આ પરિવારનો કોઇ પણ સભ્ય છેલ્લાં બે દિવસથી પાડોશીઓને દેખાયો નહતો. તેમના ઘરના દરવાજા પર દૂધની થેલીઓ એમ જ પડી હતી. ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. ત્યાર બાદ પાડોશીઓએ ઘરના માલિક અનીલ રંગાને ફોન કર્યો હતો. તેમણે આવીને દરવાજો ખખડાવ્યો હતો, પણ અંદરથી કોઇ જ જવાબ મળ્યો નહતો. કંઈક અજુગતું હોવાની શંકા થતાં તેમણે પોલીસને આ અંગેની જાણ કરી હતી. પોલીસ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશી હતી. જ્યાં પોલીસને પાંચ લોકોના મૃત્યુની જાણ થઇ હતી. આસપાસના વિસ્તારમાં આ વાતની જાણ થતાં લોકોમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હનુમાન સોનીનો પરિવાર છેલ્લાં 8 મહિનાથી આ ઘરમાં ભાડે રહેતો હતો એવી જાણકારી ઘરના માલિક અનીલ રંગાએ આપી હતી. હુનમાન સોનીના દુકાનમાં કામ કરતો. પોલીસ અધિકારી તેજસ્વીની ગૌતમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
ફોરેન્સિકની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા જપ્ત કર્યા હતાં. 4 લોકોની હત્યા કરી આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે. પરિવારના પ્રમુખનો મૃતદેહ જમીન પર પડેલો મળી આવ્યો હતો, જ્યારે પત્ની અને બાળકોનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસને હત્યાની શંકા પણ થઇ રહી છે.