ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચૂંટણીના પરિણામો પહેલા ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, કહી આવી વાત….

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા પત્રકાર પરિષદ યોજી હતી અને દેશની જનતાને સંદેશો આપ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે કહ્યું હતું કે આ ચૂંટણીમાં મતદારોએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ વખતે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. આ વખતે 31 કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે પહેલીવાર થયું છે. આ ચૂંટણીમાં વડિલો દ્વારા ઘરેથી મતદાન કરવાનો રેકોર્ડ પણ બન્યો છે. ભારતે લોકસભા ચૂંટણીમાં 31 કરોડ 20 લાખ મહિલાઓ સહિત 64 કરોડ 20 મતદારોની ભાગીદારી સાથે એક વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. આ આંકડો G7 દેશોના મતદારો કરતાં 1.5 ગણો અને 27 EU દેશોના મતદારો કરતાં 2.5 ગણો છે. આ વખતે જમ્મુ-કાશ્મીરમાં 4 દાયકામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે.આ આપણા દેશની એવી સામાન્ય ચૂંટણીઓમાંથી એક છે જેમાં આપણે હિંસા જોઈ નથી. અમને આ ચૂંટણીની તૈયારી કરવા માટે બે વર્ષની જરૂર હતી. સીઈસીએ એમ પણ કહ્યું કે અમે મતગણતરી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે ભારતના મતદારોને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના મત લીધા છે. 85 વર્ષથી વધુ વયના મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું. 1.5 કરોડ મતદારો અને સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટે 135 વિશેષ ટ્રેનો, 4 લાખ વાહનો અને 1692 ફ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પર દેખરેખ રાખવામાં 68763 મોનિટરિંગ ટીમ રોકાયેલી હતી. ભારતીય ચૂંટણીઓની સફળતાનું વિગતવાર વર્ણન કરતાં CEC રાજીવ કુમારે સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મોટી બ્રાન્ડ્સથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી દરેકે સ્વેચ્છાએ આ ચૂંટણીને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે.

મતદાન કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદ દરમિયાન એક વીડિયો બતાવ્યો હતો અને કહ્યું હતું કે, મતદાન કર્મચારીઓ જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે તેઓની વફાદારી પર સવાલ ઉઠાવવામાં આવે છે, ત્યારે કલ્પના કરો કે તેમને કેવું ફિલ થતું હશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, લોકોને યાદ હશે કે અગાઉ ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે પૈસા અને સામાનની વહેંચણી કરવામાં આવી હતી. આ વખતે ન તો સાડીનું વિતરણ થયું છે, ન તો કૂકરનું વિતરણ થયું છે, ન તો દારૂનું કે ન તો પૈસાનું વિતરણ થયું છે. છૂટીછવાઇ હિંસાની ઘટનાઓને બાદ કરતાં સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી. એવું કોઈ બાકી નથી કે જેના હેલિકોપ્ટરની તપાસ ન થઈ હોય. અમારા તરફથી ચૂંટણી અધિકારીઓને સંદેશ હતો કે તેમણે તેમનું કામ કરવાનું છે અને કોઈનાથી ડરવાનું નથી. આના પરિણામે જ તપાસ દરમિયાન 10 હજાર કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી હતી, જે 2019 માં જપ્ત કરવામાં આવેલી કિંમત કરતાં લગભગ 3 ગણી વધારે છે. આ તૈયારી પાછળ બે વર્ષની મહેનત છે. તમને આ બધું કહેવાનો હેતુ એ હતો કે અમારી મહેનત વ્યર્થ ન જાય.

CEC રાજીવ કુમારે જણાવ્યું હતું કે સચિન તેંડુલકર અને અન્ય મોટી હસ્તીઓએ પણ અમને ચૂંટણી જાગૃતિમાં મદદ કરી હતી. અમે 26 વિશેષ મતદાન મથકો બનાવ્યા અને લોકોને મતદાન કરવાનું શીખવ્યું. 2019માં 540 બૂથ પર પુનઃ મતદાન થયું હતું, પણ આ વખતે માત્ર 39 સ્થળોએ જ પુનઃ મતદાન કરાવવું પડ્યું હતું,

આ વખતે દેશના 64 કરોડથી વધુ મતદારોએ ઉદાસીનતાને બદલે લોકશાહીમાં ભાગ લેવાનું પસંદ કર્યું હતું. લોકશાહીની આ ઉજવણીમાં ભાગ લેનાર દરેક મતદાતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button