આજે થશે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીજંગનો શંખનાદ, આટલા વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ
નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી (Maharastra and Jharkhand Election) માટે રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. બંને રાજ્યોમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યું છે. એવામાં આજે સત્તાવાર રીતે ચુંટણીનો શંખનાદ થઇ જશે. આજે ચૂંટણી પંચ બંને રાજ્યોની વિધાનસભા માટે ચૂંટણીની તારીખો જાહેર કરશે. ચૂંટણી પંચ બપોરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તારીખોની જાહેરાત કરશે.
ચૂંટણી પંચ આજે બપોરે 3.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ચૂંટણી પંચ જણાવશે કે કેટલા તબક્કામાં ચૂંટણી થશે અને પરિણામ ક્યારે જાહેર થશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 5 જાન્યુઆરીએ સમાપ્ત થશે.
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી સંબંધિત તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. થોડા સમય પહેલા ચૂંટણી પંચની ટીમે બંને રાજ્યોની મુલાકાત લીધી હતી.
મહારષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ:
મહારાષ્ટ્રમ મહા વિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે રસાકસી છે. મહા વિકાસ અઘાડી પાસે કોંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ, શિવસેના યુબીટી છે. બીજી તરફ, મહાગઠબંધનમાં ભાજપ, શિવસેનાનો શિંદે જૂથ અને એનસીપી અજિત પવાર જૂથ નો સમાવેશ થાય છે. બંને ગઠબંધન સીટોની વહેંચણીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.
ઝારખંડમાં ઇન્ડીયા ગઠબંધન વિરુધ NDA:
ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનના ભાગ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) મુકાબલો NDA ગઠબંધન વિરુદ્ધ હશે, જેમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU), જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપનો સમાવેશ થાય છે.