મોદી, શાહનો નિર્ણય સ્વીકાર્ય: એકનાથ શિંદે
મોદીને ફોન કરીને ખાતરી આપી કે શિવસેનાને કારણે સરકારના ગઠનમાં કોઈ અવરોધ ઊભો થશે નહીં એવું જણાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 23 તારીખે આવી ગયા અને જંગી બહુમત મળ્યાના ચાર-ચાર દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી રાજ્યમાં મુખ્ય પ્રધાનનું નામ ફાઈનલ થયું નથી અને આને કારણે વિરોધીઓને ભાજપ અને મહાયુતિની ટીકા કરવાની કે હાંસી ઉડાવવાની તક મળી ગઈ છે. આ બધા વચ્ચે બુધવારે મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મોદી અને શાહ જે નિર્ણય લેશે તે અમને સ્વીકાર્ય છે.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હું નારાજ છું, રિસાયેલો છું, કોઈને મળતો નથી.. વગેરે વગેરે જે અટકળો ચલાવવામાં આવી રહી છે તેનું ખંડન કરું છું. હું નારાજ નથી.. અમે રડનારા માણસો નથી. લડીને મેળવનારા છીએ.
આવતીકાલે અમિત શાહની સાથે ત્રણેય પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીમાં અને ત્યાં નક્કી કરવામાં આવશે કે મહારાષ્ટ્રની સરકારનું ગઠન કેવી રીતે થશે.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે મંગળવારે રાતે મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને તેમની સાથે વાત કરી હતી. મેં મોદીજીને કહ્યું હતું કે રાજ્યમાં મહાયુતિની સરકારના ગઠન માટે જો તમને એવું લાગતું હોય કે એકનાથ શિંદે કે પછી શિવસેનાનો કોઈ અવરોધ કે ચિંતા થતી હોય તો એવી કોઈ શંકા રાખશો નહીં. તમારે જે નિર્ણય લેવો હોય તે લેજો. તમને જે યોગ્ય લાગે તે નિર્ણય લેજો અને તેમાં અમે તમારી સાથે છીએ.
તેમમે પત્રકારોને સંબધતાં કહ્યું હતું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ મોદી-શાહ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદ અંગે જે નિર્ણય લેશે તે મહાયુતિના ઘટક પક્ષ તરીકે અમને સ્વીકાર્ય છે અને તેમાં અમારા તરફથી કોઈ અવરોધ ઊભો કરવામાં આવશે નહીં. સ્પીડ બ્રેકર (અવરોધ) ઊભું કરવાનું કામ અગાઉની સરકાર દ્વારા કરવામાં આવતું હતું એમ જણાવતાં તેમણે આડકતરી રીતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો.
કેન્દ્રની સરકારનું નક્કર પીઠબળ મળ્યું
એકનાથ શિંદેએ રાજ્યની સરકારને કેન્દ્રની સરકારનું નક્કર પીઠબળ મળ્યું હોવાનું જણાવતાં કહ્યું હતું કે અઢી વર્ષની મારી સરકારના કાર્યકાળમાં કેન્દ્ર સરકારનું મહારાષ્ટ્રને નક્કર પીઠબળ મળ્યું છે. તેમણે સરખામણી કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહની સરકારના કાર્યકાળમાં મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપીની સરકાર હતી અને ત્યારે 10 વર્ષમાં મહારાષ્ટ્રને ફક્ત બે લાખ કરોડ રૂપિયા વિકાસકાર્યો માટે મળ્યા હતા, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળમાં રાજ્યને દસલાખ કરોડ રૂપિયા વિકાસ માટે મળ્યા છે.
આ પણ વાંચો : એકનાથ શિંદેનો નવો દાવઃ દીકરા માટે માગ્યું આ પદ, મામલો વધારે ગૂંચવાયો
મુખ્ય પ્રધાન કરતાં કરોડો બહેનોના લાડકા ભાઈનું પદ મોટું
મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અઢી વર્ષની સરકારમાં અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં કરોડો બહેનોનો લાડકો ભાઈ બનવાની તક મને મળી હતી. હું મારા અઢી વર્ષના કાર્યકાળથી સંતુષ્ટ છું. રાજ્યના મુખ્ય પ્રધાનપદ કરતાં મારા માટે કરોડો બહેનોનો લાડકો ભાઈ બનવાનું સદ્ભાગ્ય મોટું છે.