
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (ED Summons Arvind Kejriwal)ને છઠ્ઠું સમન્સ જાહેર કર્યું છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ (55)ને 19 ફેબ્રુઆરીએ ઇડી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં ઇડી હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાનને અત્યાર સુધીમાં પાંચ વખત પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ એક પણ વખત પૂછપરછ માટે હાજર રહ્યા નથી.
અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલ ઇડીના પાંચમા સમન્સ પછી પૂછપરછમાં હાજર રહ્યા ન હતા, ત્યારબાદ ઇડીએ સમન્સનું પાલન ન કરવા બદલ તેમની સામે નવો કેસ નોંધ્યો હતો. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દરેક વખતે ઇડીના સમન્સને ગેરકાયદે અને રાજનીતિથી પ્રેરિત ગણાવતા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઇડીનો ઉદ્દેશ્ય તેને પ્રચાર કરતા રોકવાનો હતો.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ તરફથી સૌથી મોટો ઝટકો મળ્યો હતો. ઈડીએ હાજર થવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેના અંગે કોર્ટે સીએમ કેજરીવાલની સમન્સ મોકલ્યો હતું, જેમાં અઢારમી ફેબ્રુઆરીએ હાજર રહેવા જણાવ્યું હતું. આ અગાઉ ઈડીએ પાંચ સમન્સ મોકલ્યા હતા, પણ તેમાં હાજર રહ્યા નહોતા, તેથી તપાસ એજન્સીએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.