Sameer Wankhede: EDએ સમીર વાનખેડે સામે કેસ નોંધ્યો, ત્રણ NCB અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સમીર વાનખેડે પર મની લોન્ડરિંગ કેસ નોંધવામાં આવ્યો છે. વાનખેડે સિવાય કેન્દ્રીય એજન્સીએ NCBના અન્ય ત્રણ અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ અભિનેતા શાહરૂખ ખાનના દીકરાને ડ્રગ કેસ ફસાવી તેને નિર્દોષ છોડાવવા માટે વાનખેડેએ 25 કરોડ રૂપિયાની લાંચની કથિત રીતે માંગણી કરી હતી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ વાનખેડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
કસ્ટમ્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ કેડરના 2008 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ED દ્વારા કોઈપણ દંડાત્મક કાર્યવાહી સામે રક્ષણ મેળવવાની માંગ કરી છે.
શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની 2 ઓક્ટોબર, 2021ના રોજ કોર્ડેલિયા ક્રુઝ શિપમાં ડ્રગ્સ મળવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યનને નિર્દોષ છોડાવવા માટે લાંચની માંગણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
એક વર્ષ પછી, NCBએ ક્રૂઝ પર મળી આવેલા ડ્રગ્સના કેસમાં 14 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ આર્યન ખાનને ક્લીનચીટ આપવામાં આવી હતી.