ટોપ ન્યૂઝનેશનલ

ભારત – પાકિસ્તાન સહિત ચાર દેશમાં ભૂકંપના આંચકા, જાનહાનિ નહીં

નવી દિલ્હીઃ ભારતમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્રણ કલાકની અંદર ભારત, નેપાળ, પાકિસ્તાન અને તિબેટ એમ ચાર દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં પટનાના લોકોને રાત્રે 2.35 કલાકે ઝટકાનો અનુભવ થયો હતો. લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. રિક્ટેર સ્કેલ પર તીવ્રતા 5.5 નોંધાઈ હતી.

નેશનલ સેન્ટર ફોસ સિસ્મોલોજી મુજબ ભૂકંપના ઝટકા નેપાળના બાગમતી પ્રાંતમાં પણ અનુભવાયા હતા. નેપાળનું બાગમતી બિહારના મુઝફ્ફરપુરથી 189 કિલોમીટર ઉત્તરમાં છે. આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના અહેવાલ નથી. નેપાળ જ નહીં પાકિસ્તાન અને તિબેટમાં પણ ઝટકા અનુભવાયા હતા.

પાકિસ્તાનમાં પણ સવારે 5.14 મિનિટે ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા. ઝટકાનો અનુભવ થતાં જ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 4.5ની હતી. આ પહેલા 16 જાન્યુઆરીએ પણ પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર રાવલપિંડીથી આઠ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં હતું.

Also read: દિલ્હીમાં ભૂકંપથી લોકોમાં ફફડાટ, પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ

તિબેટમાં પણ શુક્વારે સવાર 2.48 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1ની હતી. આ દરમિયાન કોઈ જાનહાનિના અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્ર ધરતીથી 70 કિલોમીટર દૂર હતું.

છેલ્લા કેટલાક દિવસોમાં ભૂકંપની ગતિવિધિઓ વધી રહી છે, હિમાચલ પ્રદેશ, દિલ્હી-એનસીઆરથી માંડીને પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ કોલકાતામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 હતી અને તે સવારે 6.10 વાગ્યે આવ્યો હતો.

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. રિકટર સ્કેલ મદદથી ભૂકંપ તીવ્રતા મપાય છે રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button