UAE સરકારે ભારતીયોને આપી મોટી Gift: દુબઈ અવરજવર કરનારાને મળશે લાભ

દુબઇઃ દુબઈ સરકારે ભારતીય નાગરિકોને એક મોટી ભેટ આપી છે જેઓ કામ અથવા વ્યવસાય માટે અથવા ફરવા માટે વારંવાર દુબઈની મુલાકાત લે છે. ભારત અને દુબઈ વચ્ચે લોકોની અવરજવર વધારવા માટે દુબઈએ 5-વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝાની સેવા શરૂ કરી છે. દુબઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સેવા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આનાથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં પણ સુધારો થશે.
વિઝા સેવાની વિનંતી પ્રાપ્ત કર્યા અને સ્વીકાર્યા બાદ બેથી પાંચ કામકાજ દિવસમાં વિઝા જારી કરવામાં આવશે, જેમાં વિઝાધારકને 90 દિવસ સુધી દેશમાં રહેવાની મંજુરી મળશે. આ મંજૂરી બીજા 90 દિવસ સુધી લંબાવી શકાશે. આમ એક વર્ષમાં મેક્સિમમ 180 દિવસ માટે યુએઇમાં રહેવાના વિઝા મળી શકશે. આ પહેલને કારણે પ્રવાસીઓ બહુવિધ એન્ટ્રીઓ અને એક્ઝિટનો લાભ મળશે.
વેપાર, રોકાણ અને પર્યટનની દ્રષ્ટિએ ભારત દુબઈનું મહત્વપૂર્ણ ભાગીદાર છે. દુબઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર મલ્ટિપલ એન્ટ્રી વિઝા જારી કરીને આ ભાગીદારી વધુ મજબૂત થશે. એટલું જ નહીં, તેની મદદથી બંને દેશો વચ્ચે આર્થિક સહયોગને વધુ વધારવામાં મદદ મળશે.
દુબઈનું આ પગલું એટલા માટે પણ મહત્વનું છે કારણ કે ભારતમાંથી દુબઈ આવનારા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023માં ભારતમાંથી 24.6 લાખ મુસાફરો દુબઈ પહોંચ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં 34 ટકાનો વધારો થયો છે.
વર્ષ 2022માં 18.4 લાખ ભારતીય પ્રવાસી દુબઇ ગયા હતા. વાર્ષિક ધોરણે 34 ટકાની અસાધારણ વૃદ્ધિ સાથે, એક દેશમાંથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સાથે ભારત દુબઇનું મહત્વપૂર્ણ સોર્સ માર્કેટ બની ગયું છે.