ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં ટ્રક-બસ ડ્રાઇવરની હડતાળને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠાને અસર

મુંબઈ સહિત મહત્વનાં શહેરોમાં પેટ્રોલ પંપનો સ્ટોક ખતમ, પ્રવાસીઓને હાલાકી

અમદાવાદઃ દેશભરમાં ડ્રાઇવર હડતાળ પર ઉતર્યા છે અને ઠેર ઠેર ચક્કાજામ જેવી સ્થિતિ છે. સરકારે બહાર પાડેલા નવા કાયદાનો વિરોધ કરવા માટે ડ્રાઇવર્સે રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરી છે અને સરકાર કાયદામાં કરેલી નવી જોગવાઈ રદ કરે તેવી માગણી કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં આ હડતાળને લીધે માહોલ તંગ બન્યો છે. આ સાથે પ્રેટોલ, દૂધ, શાકભાજી, દવાઓ જેવી અત્યંત મહત્વની ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડતા જનજીવન પ્રભાવિત થયું છે. પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળે છે.

ભારત સરકારના નિર્ણય બાદ હિટ એન્ડ રન કાયદામાં કરાયેલા સુધારાનો દેશભરમાં રસ્તા રોકો કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં ટ્રક ચાલકોની હડતાળના કારણે સમગ્ર રાજ્યમાં અસર જોવા મળે છે. ઈન્દોરના પેટ્રોલ પંપ પર સવારથી જ કતારો જોવા મળી રહી છે.


ટ્રાન્સપોર્ટરોની હડતાળને કારણે રવિવાર અને સોમવારે મોટાભાગના પેટ્રોલ પંપ પર ઈંધણ ખતમ થઈ ગયું હતું. શહેરના અનેક પેટ્રોલ પંપ સુકા જાહેર કરાયા છે. જ્યાં જ્યાં થોડું બળતણ બચ્યું હતું ત્યાં મંગળવારે લાંબી કતારો જોવા મળી હતી. આવી જ હાલત મોટા ભાગના શહેરોની છે.


મહારાષ્ટ્રના અમુક ભાગમાં હડતાળ હિંસક પણ બની હતી. નવી મુંબઈના નેરુલમાં સવારે ટ્રક ચાલકોએ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. બેંગલોર-મુંબઈ પણ સર્જાયેલા જામને વિખેરવા પોલીસે બળનો ઉપયોગ કર્યો હોવાના સમાચાર છે. ઠાણે, મીરા-ભાયંદર રોડ, અમદવાદ-મુંબઈ હાઈ વે તમામ ઠેકાણે પોલીસ અને ટ્રકચાલકો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર છે. તો બીજી બાજુ સોલાપુરસ કોલ્હાપુર તમામ ઠેકાણે જામ સર્જાતા અરાજકતા જેવો માહોલ છે. દેશભરના પેટ્રોલપંપ પર લાઈનો લાગી છે. જાહેર પરિવહનને અસર થતાં લોકો રઝળી પડ્યા છે. લોકો બસસ્ટોપર પર રાહ જોઈને ઊભા છે, પરંતુ કલાકો સુધી બસ ન મળતા મહિલા બાળકો, વિદ્યાર્થીઓ રઝળી પડયા છે. રાજસ્થાનમાં કલેક્ટરે જઈ મધ્યસ્થી કરવી પડી હતી. જોકે ટ્રકચાલકોએ તેમને ચેતાવણી આપી છે.


ઑલ ઈન્ડિયા મોટર એન્ડ ગૂડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિયેશનને તેમના સભ્યોને શાંતિથી કામ લેવા જણાવ્યું છે. તેમણે ગણતંત્ર દિવસ અને રામ મંદિરના સમારોહને ધ્યાનમાં રાખી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.


અત્યાર સુધી, અકસ્માતના કિસ્સામાં, ડ્રાઇવરો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 279 એટલે કે બેદરકારીથી ડ્રાઇવિંગ, 304A એટલે કે બેદરકારીથી મૃત્યુ અને 338 એટલે કે જીવનને જોખમમાં મૂકવું હેઠળ કેસ નોંધવામાં આવતો હતો, પરંતુ નવા કાયદામાં, જેઓ ઘટનાસ્થળથી ફરાર થઈ જાય છે તેમની સામે કલમ 104(2) હેઠળ ચાલક સામે કેસ નોંધવામાં આવશે. જો તે પોલીસ અથવા મેજિસ્ટ્રેટને જાણ નહીં કરે તો તેને 10 વર્ષની જેલ અને દંડ પણ ભોગવવો પડશે, તેવી જોગવાઈ કરવામાં આવી છે. જેનો વિરોધ ડ્રાયવર્સ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button