મંત્રાલયમાં ફડણવીસની ઓફિસમાં કોણે કરી તોડફોડ, સુરક્ષા મુદ્દે સવાલો?

મુંબઇઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મંત્રાલયની ઓફિસમાં તોડફોડ થઇ હોવાના સમાચાર જાણવા મળ્યા છે. એમ જાણવા મળ્યું છે કે એક અજાણી મહિલાએ નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મંત્રાલયની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી છે. તેમની ઓફિસની બહાર તેમના નામની તકતી છે. આ બોર્ડ હટાવીને ફેંકી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે મંત્રાલયની સુરક્ષા ભગવાન ભરોસે હોવાનું રોષે ભરાયેલા નાગરિકો કહી રહ્યા છે.
સામાન્ય રીતે મંત્રાલયમાં મોટી સુરક્ષા હોય છે અને આવા સંજોગોમાં નાયબ મુખ્ય પ્રધાન એવા દેવેન્દ્ર ફડણવીસની ઑફિસમાં ઘુસીને કોઇ તોડફોડ કરે એવી ઘટના કેવી રીતે બની શકે એવો લોકો સવાલ કરી રહ્યા છે.
મુંબઈમાં સાંજે ભારે વરસાદ શરૂ થયો હતો. મંત્રાલયના કર્મચારીઓ ઘરે જવાની ઉતાવળમાં હતા. તે સમયે આ બન્યું હતું. મળતી માહિતી મુજબ અજાણી મહિલા મંત્રાલય પાસ લીધા વગર સેક્રેટરી ગેટથી મંત્રાલયમાં પ્રવેશી હતી. નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું કાર્યાલય મંત્રાલયના છઠ્ઠા માળે છે. આ અજાણી મહિલાએ ફડણવીસની ઓફિસની બહાર નામનું બોર્ડ ફેંકી દીધું હતું. ત્યાર બાદ ઓફિસમાં ઘુસીને તેણે બુમરાણ મચાવી હતી. તેણે દેવેન્દ્ર ફડણવીસની ઓફિસમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બાદ દેવેન્દ્ર ફડણવીસની ઑફિસ બહાર પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આગામી બે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દેવેન્દ્ર ફડણવીસ હાલમાં ચૂંટણીની તૈયારીઓ અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત છે, એવા સમયે આ ઘટના બની છે. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ઑફિસમાં હાજર હતા કે નહીં એ અંગે હાલમાં કંઇ જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો : અમે અનામત આપવા તૈયાર પણ….: શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
જોકે, આ મુદ્દે હવે વિપક્ષ હમલાવર બન્યો છે. વિપક્ષે રાજ્ય સરકારને ભીંસમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે. એમ ટીકા કરવામાં આવી રહી છે કે મંત્રાલયમાં ગૃહ પ્રધાનની ઓફિસ જ સુરક્ષિત નથી. દેવેન્દ્ર ફડણવીસ પોતાને આધુનિક અભિમન્યુ માને છે. તેમણે આ બાબતે તપાસ યોજવી જોઇએ. આ નજીકના લોકોનું તો કામ નથીને એ પણ જાણવું જોઇએ.
આ મહિલા કોણ હતી, પાસ વગર કેવી રીતે પ્રવેશી, આ તમામ સવાલોના જવાબ હજુ સુધી મળ્યા નથી. મરીન ડ્રાઈવ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. તો હવે તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.