
જમ્મુ: શહેરની દિલ્હી પબ્લિક સ્કૂલ(DPS)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જાણકારી મળતાની સાથે પોલીસની ટીમ બોમ્બ ડિફયુઝ સ્ક્વોડ સાથે સ્કૂલ પહોંચી ગઈ હતી.
DPSના એક શિક્ષકને આ ફોન આવ્યો હતો, જેના પછી શિક્ષકે પોલીસને જાણ કરી હતી. આ સમાચાર મળતા જ પોલીસની ટીમ તરત જ જમ્મુના રેસિડેન્સી રોડ પર સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ પહોંચી ગઈ હતી. પોલીસની સાથે સાથે સુરક્ષા દળો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમ પણ ત્યાં પહોંચી હતી.
જમ્મુ પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારની તપાસ કર્યા બાદ ધમકી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક ખાનગી શાળામાં અજાણ્યા કોલર દ્વારા બોમ્બની ધમકી પર જમ્મુ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી હતી. પોલીસે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરી હતી, તપાસ બાદ ધમકી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું અને આ અંગે એક એફઆઈઆર નોંધવામાં આવી છે. ફોન કરનારની ઓળખ કરવામાં આવી રહી છે.