નવી દિલ્હી: આતિશી દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા બાદ આમ આદમી પાર્ટી(AAP) વધુ સક્રિય બની ગઈ છે. આજે વહેલી સવારે દિલ્હી આપના નેતાઓ રસ્તાઓ પર ઉતરીને નિરીક્ષણ જોવા મળ્યા હતાં. સવારે 6 વાગ્યે દિલ્હી સરકારના પ્રધાનો, વિધાનસભ્યો અને કાર્યકર્તાઓ તેમને લગતા વિધાનસભા મતવિસ્તારમાં તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતાં.
આતિશી સરકારે દિવાળી પહેલા રસ્તાઓની હાલત સુધારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તાજેતરમાં પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાન આતિષીને એક પત્ર લખ્યો હતો. આ પછી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન આતિશીએ ઓખલામાં, પ્રધાન ગોપાલ રાયે બાબપુરમાં, સૌરભ ભારદ્વાજે ગણેશ નગર અને મનીષ સિસોદિયાએ પટપરગંજ વિસ્તારમાં તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પ્રધાનો અને વિધાનસભ્યોએ પણ સ્થાનિક લોકો સાથે વાત કરી હતી અને રસ્તાનું સમારકામ કરાવવાની ખાતરી આપી હતી.
ઓખલા વિસ્તારમાં તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કરતી વખતે મુખ્યપ્રધાને આતિશીએ કહ્યું કે દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને મેં સતત બે દિવસ સુધી નિરીક્ષણ કર્યું. અમે જોયું કે દિલ્હીના રસ્તા તૂટેલા હતા. આજે દિલ્હી સરકારના તમામ પ્રધાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. મેં દક્ષિણ દિલ્હીની જવાબદારી લીધી છે. ગઈકાલે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી ત્રણ-ચાર સપ્તાહમાં રસ્તાઓ પરના ખાડાઓ પૂરાઈ જશે. અમે દિવાળી સુધીમાં દિલ્હીના લોકોને ખાડામુક્ત રસ્તા આપીશું.
દિલ્હી સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું કે આજે અમે ગણેશ નગરના રસ્તાઓની સમીક્ષા કરી છે. PWDના અધિકારીઓને રસ્તાઓનું સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. તેઓને તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરાવવા જણાવાયું છે. જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે તેમની પાછળના ઘણા કામો ભાજપે અટકાવ્યા હતા. હવે તેઓ બહાર આવ્યા છે. હવે દિલ્હીમાં તમામ કામોને વેગ મળશે.
ગોપાલ રાયે દિલ્હીના બાબરપુર વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું, “દિલ્હીમાં વરસાદ પછી, રસ્તાઓ પર દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે. જ્યારથી અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવામાં આવ્યા છે, ત્યારથી દિલ્હીના રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. અમે જાતે નક્કી કર્યું છે કે અમે રસ્તાઓનું નિરીક્ષણ કરીશું અને શક્ય તેટલી વહેલી તકે રિપેર કરાવીશું..”
સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. કિરારીના ખરાબ રસ્તાઓ બાબતે તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ‘CM 1 એ CM 2 ને પત્ર લખીને કહેવું પડ્યું કે દિલ્હીના રસ્તાઓ ખૂબ ખરાબ છે. CM 2 ઘણા મહિનાઓ સુધી PWD અને ડઝનબંધ મંત્રાલયોના પ્રધાન હતા પરંતુ તેમને ખબર નહોતી કે જનતા આવી સમસ્યાનો સામનો કરી રહી છે. મારા છેલ્લા ટ્વીટ બાદ હવે તેમનું ધ્યાન મુંડકા તરફ ગયું છે. હવે જુઓ કિરારીની કફોડી હાલતનું આ ચિત્ર, અહીં CM 1 અને CM 2 ઈન્સ્પેક્શન માટે ક્યારે આવશે?’