
ચેન્નઇઃ ભારતનું દક્ષિણી રાજ્ય તમિલનાડુ ચક્રવાત મિચોંગના ઝપાટામાં આવી ગયું છે. ચક્રવાત ‘મિચોંગ’ના કારણે તમિલનાડુમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. NDRFની ટીમ લોકોની મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર તામિલનાડુ સહિત આસપાસના રાજ્યો સાથે સંપર્ક જાળવી રહી છે.
તમિલનાડુની રાજધાની ચેન્નઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે. સતત વરસાદના કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બધે પાણી જ પાણી દેખાય છે. રસ્તાઓ પર ઘૂંટણિયા સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ છે. અનેક સ્થળે NDRFની ટીમ લોકોની મદદ કરવામાં વ્યસ્ત છે.
ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ટ્રેનોને પણ અસર થઈ રહી છે. રેલવેએ ઘણી ટ્રેનોને રદ કરી છે. માત્ર વિશએષ ટ્રેનો જ ચલાવવામાં આવી રહી છે. ચક્રવાત ‘મિચોંગ’ને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે. રાજ્ય સરકારે પ્રશાસનને તમામ જરૂરિયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓ આપવાનો આદેશ આપ્યો છે. વરસાદને કારણે વિમાન સેવાને પણ અસર પડી રહી છે, ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને ઘણી ફ્લાઇટ્સનો રૂટ બદલવામાં આવ્યો છે.
નોધનીંય છે કે ભારતીય વેધશાળાએ થોડા દિવસ પહેલા જ ચક્રવાત ‘Michaung’ અને તેને કારણે વરસાદને લઇને ચેતવણી જાહેર કરી હતી. ત્યાર બાદ સરકારે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, રાનીપેટ અને કાંચીપુરમ જિલ્લાની શાળાઓ અને તિરુવલ્લુરની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી હતી. સરકારે લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે.