નવી દિલ્હી: બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘દાના’ વાવાઝોડું (Cyclone Dana) આવતી કાલે 25 ઓક્ટોબરના રોજ ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે છે, આવતી કાલે બપોર બાદ વાવાઝોડું લેન્ડફોલ કેર તેવી શક્યતા છે છે. રાજ્ય સરકાર દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી લગભગ 10 લાખ લોકોનું સ્થળાંતર કરી રહી છે. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં 1.14 લાખથી વધુ લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ રાજ્ય સરકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બુધવાર સાંજ સુધીમાં ‘ડેન્જર ઝોન’માં રહેતા 30 ટકા એટલે કે લગભગ 3-4 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે દાના વાવાઝોડામાં પવનની ઝડપ 120 kmph સુધી પહોંચી શકે છે. આ વાવાઝોડું શુક્રવારે સવાર સુધીમાં ભીતરકણિકા નેશનલ પાર્ક અને ઓડિશાના ધમરા બંદર વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે.
વાવઝોડું ‘દાના’ કોલકાતા સહિત દક્ષિણ પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ લાવશે. સાવચેતીના ભાગ રૂપે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ ગુરુવારે સાંજે 6 વાગ્યાથી 15 કલાક માટે સ્થગિત કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 25 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યાથી 26 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી ફ્લાઈટનું સંચાલન કરવામાં નહીં આવે.
આ પણ વાંચો…..જર્મન ચાન્સેલર સ્કોલ્ઝ ત્રણ દિવસની ભારતની મુલાકાતે, વડા પ્રધાન મોદી સાથે કરશે ખાસ બેઠક
ઓડિશામાં 25 ઓક્ટોબર સુધી 14 જિલ્લામાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી કે રાજ્યના કેટલાક ભાગોમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે રેલ્વે સર્વિસ પર ચક્રવાત ‘દાના’ ની અસરોને ઘટાડવાની તૈયારીની સમીક્ષા કરવા માટે રેલ્વે બોર્ડ, તેમજ પૂર્વ તટ અને દક્ષિણ પૂર્વીય ઝોનના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં કુલ 56 ટીમો તૈનાત કરી છે. NDRF એ આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં દરેકમાં નવ ટીમો મોકલી છે, જ્યારે એક ટીમ છત્તીસગઢમાં તૈનાત છે, કારણ કે વાવઝોડાના લેન્ડફોલ બાદ આ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની શક્યતા છે.