
અમદાવાદ/નવી દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં બનાસકાંઠાથી કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતના સંરક્ષણના સંવર્ધનનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જેના જવાબમાં સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું હતું કે ભારત સરકાર ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ-પ્રોત્સાહન માટે સતત પ્રયત્નશીલ છે. ગુજરાત રાજ્યમાં ASIની દેખરેખ અને જાળવણી હેઠળ 205 કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારકો છે.
આપણ વાંચો: ગુજરાતની 75 વર્ષની ગૌરવગાથા: ‘લોગો સ્પર્ધા’માં ભાગ લઈને 3 લાખ જીતવાની સુવર્ણ તક!
ગુજરાતમાં નવા સંગ્રહાલયો અથવા સાંસ્કૃતિક કેન્દ્રો સ્થાપવા માટેની દરખાસ્તો છે?
કેન્દ્રીય પ્રધાને ગુજરાતમાં નવા સંગ્રહાલયો અથવા સાંસ્કૃતિક કેન્દ્રો સ્થાપવા માટેની દરખાસ્તોની વિગતો અને સ્થિતિ વિશેના એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે હાલમાં, સંસ્કૃતિ મંત્રાલય પાસે વિચારણા માટે આવી કોઈ દરખાસ્ત પેન્ડિંગ નથી.
પ્રધાન શેખાવતે જણાવ્યું હતું કે જરૂરિયાત અને સંસાધનોની ઉપલબ્ધતા અનુસાર ASI સૂર્ય મંદિર (મોઢેરા), રાણી કી વાવ (પાટણ) અને ચાંપાનેર-પાવાગઢ જેવા ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ અને જાળવણીનું કાર્ય હાથ ધરે છે.
આ સ્મારકોના સંરક્ષણ અને જાળવણી માટે છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલા ફાળવણી અને ખર્ચની વિગતો આપવામાં આવી હતી. પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સાંસદ ગેનીબેન ઠાકોરના ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે કોઈ પહેલ અંગેના અતારાંકિત પ્રશ્ન નં. 1277નો પ્રત્યુત્તર આપ્યો હતો.
આપણ વાંચો: અમદાવાદ રથયાત્રાઃ યાત્રાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જાણો
WZCC ગુજરાત રાજ્યમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે
સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ASI એ સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરવા માટે ગુજરાતના કચ્છ જિલ્લામાં ધોળાવીરા ખાતે એક (01) પુરાતત્વીય સ્થળ સંગ્રહાલય પણ સ્થાપિત કર્યું છે.
સંસ્કૃતિ મંત્રાલયે ગુજરાતની લોક સંસ્કૃતિને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે ઉદયપુર ખાતે પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર (WZCC)ની સ્થાપના કરી છે. WZCC ગુજરાત રાજ્યમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે.
વડનગર ખાતે પુરાતત્વીય અનુભવ સંગ્રહાલયને નાણાકીય સહાય પૂરી પાડી
WZCC, ઉદયપુર દ્વારા ગુજરાત રાજ્યમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વસંતોત્સવ, રાષ્ટ્રીય એકતા દિવસ, ડાંગ દરબાર, નુપુર નૃત્ય મહોત્સવ અને આદિવાસી ઉત્સવનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષમાં વડનગર ખાતે પુરાતત્વીય અનુભવ સંગ્રહાલયને નાણાકીય સહાય પણ પૂરી પાડી છે એમ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું.