
રાંચીઃ ઝારખંડના મુખ્ય પ્રધાન પદેથી હેમંત સોરેને રાજીનામું આપ્યું છે, જ્યારે તેમનું રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું છે. રાજ્યપાલે રાજીનામું સ્વીકાર્યા પછી નવી જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ચંપઈ સોરેન હશે, એમ પક્ષના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.
ઝારખંડમાં સરપ્રાઈઝ સીએમ મળ્યા છે. રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા અને શિબુ સોરેનના ડાબા હાથ ગણાતા ચંપઈ સોરેનની નવા મુખ્ય પ્રધાન તરીકે જાહેરાત કરવામાં આવી છે. ચંપઈ સોરેનને વિધાનસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને વિધાનસભ્ય છે ચંપઈ સોરેન, જ્યારે તેઓ કોલ્હાન વિસ્તારમાં ટાઈગર તરીકે ઓળખાય છે.
ચંપઈ સોરેન પહેલા હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનનું નામ સીએમ પદની રેસમાં હતું, પરંતુ પરિવારમાં વિરોધ થયો હતો. એની વચ્ચે સોરેન જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીના વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ચંપઈ અત્યારે પરિવહન ખાતા સહિત અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના કલ્યાણ ખાતાના પ્રધાન છે. ઉપરાંત, ઝારખંડ મુક્તિ મોરચા સંગઠનના ઉપપ્રમુખ છે.
હેમંત સોરેને પક્ષના નેતાઓની સાથે રાજભવન પહોંચીને રાજ્યપલા સીપી રાધાકૃષ્ણનને રાજીનામું આપ્યું હતું. રાધાકૃષ્ણને સોરેનનું રાજીનામું સ્વીકાર્યું છે. હવે કદાચ તેમની અટક પણ થઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઝારખંડના સીએમ હેમંત સોરેનની પૂછપરછને ધ્યાનમાં રાખીને સવારથી રાતના દસ વાગ્યા સુધી 144ની કલમ લાગુ પાડવામાં આવી હતી. ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમ સીએમના નિવાસસ્થાને તેમની પૂછપરછ કરવા માટે હાજર રહી હતી.