બાંગ્લાદેશમાં સત્તાપલટોઃ પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું, દેશ છોડ્યો
અનામત વિરુદ્ધ હિંસક વિરોધને કારણે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને સુરક્ષાની ચિંતાઓ વચ્ચે દેશ છોડીને ભાગી ગયા છે, એમ સ્થાનિક મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે.
શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને બળવોના સંભવિત પ્રયાસોને સફળ ન થવા દેવા વિનંતી કરી છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે. આ પહેલા સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNP વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં બબાલઃ હિંસા-વિરોધ વકરતા 91 લોકોનાં મોત, 300 ઈજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને, હજારો વિરોધીઓ ઢાકાના શાહબાગ ઇન્ટરસેક્શન પર લોંગ માર્ચ માટે એકઠા થયા હતા. પીએમ શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને રવિવારે શરૂ થયેલી હિંસામાં થોડા જ કલાકોમાં 100 લોકોના મોત થયા હતા અને અબજોની સંપત્તિ આગમાં ખાક થઇ ગઇ હતી. તમામ મોટા શહેરોમાં લાખો લોકો શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. જેના કારણે દેશની અવામી લીગ સરકાર અને પીએમ શેખ હસીના શંકાના દાયરામાં આવી ગયા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બગડતી સ્થિતિ જોઈને વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે.
તાજેતરમાં બાંગ્લાદેશમાં પોલીસ અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિવાદાસ્પદ અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. આ અંતર્ગત વર્ષ 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી છે.