વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે કોંગ્રેસે બોલાવી INDIA ગઠબંધનની બેઠક
લોકસભાની ચૂંટણી પહેલા સેમીફાઈનલ ગણાતી પાંચમાંથી 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માટે આજે પરિણામ જાહેર થઇ રહ્યા છે. મતગણતરી ચાલી રહી છે, ટ્રેન્ડ મુજબ ભાજપને ત્રણ રાજ્યોમાં લીડ મળી રહી છે. ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.
આવી સ્થિતિમાં, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કેન્દ્રીય સત્તા પરથી હટાવવાના ઈરાદા સાથે રચાયેલા વિપક્ષી ગઠબંધન “INDIA”ને મોટો ઝટકો લાગ્યો છે. ગઠબંધને રણનીતિ બદલવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કે સોમવારે (4 ડિસેમ્બર) પાંચમાં રાજ્ય મિઝોરમમના ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયા બાદ 6 ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને અંગે ઉંડાણપૂર્વક ચર્ચા થશે. આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાશે. બેઠકમાં INDIA ગઠબંધનની 14 મોટી પાર્ટીઓના નેતાઓ સામેલ થશે. સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આ બેઠકને અંગે સહયોગી પક્ષોના નેતાઓ સાથે વાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સીટ શેરિંગ પર ચર્ચા થઈ શકે છે.
વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ વિપક્ષી ગઠબંધનની બેઠક બોલાવવામાં આવશે. જો કે આ ગઠબંધનમાં 26 પક્ષો છે, પરંતુ 14 પક્ષોનો સમાવેશ કરીને રચાયેલી આયોજક સમિતિએ જ બેઠક યોજવાની છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પહેલીવાર સત્તામાં આવતી જોવા મળી રહી છે. INDIA ગઠબંધનની પ્રથમ બેઠક પટનામાં આયોજિત કરવામાં આવી હતી. બીજી બેઠક બેંગ્લોરમાં અને ત્રીજી મુંબઈમાં જ્યારે ખડગેએ ચોથી બેઠક દિલ્હીમાં બોલાવી હતી.
વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, DMK, AAP, JDU, RJD, JMM, NCP (શરદ પવાર), શિવસેના (UBT), SP, નેશનલ કોન્ફરન્સ, PDP, CPI(M), CPI, RLD, MDMK, કોંગુનાડુ મક્કલ દેશિયા કાચી (KMDK), VCK, RSP, CPI-ML (લિબરેશન), ફોરવર્ડ બ્લોક, IUML, કેરળ કોંગ્રેસ (જોસેફ), કેરળ કોંગ્રેસ (મણિ), અપના દળ (કામરવાડી) અને મણિથનેયા મક્કલ કાચી (MMK) સામેલ છે.