ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસના જ નેતાએ હારના જખમ પર મીઠું ભભરાવ્યું

સનાતનના વિરોધ અને મોદીના અપમાનનું પરિણામ

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 12.45 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ ત્રણેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ની જીત થઈ રહી છે. હાર જોઈને કોંગ્રેસ પક્ષમાં મહાભારત શરૂ થઈ ગયું છે. કૉંગ્રેસના જ નેતાઓએ હવે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું છે કે આ સનાતનના વિરોધનું પરિણામ છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, તે ભૂંસાઈ ગયું છે કે નહીં તે કહેવું વહેલું છે. પરંતુ જ્યાંથી હવે ટ્રેન નીકળી ગઇ છે (જ્યાંથી કૉંગ્રેસ ચૂંટણી હારી ગઇ છે) ત્યાં તેમને માટે હવે સંપૂર્ણ અંધકાર છે. મહાત્મા ગાંધીના માર્ગે ચાલતી કોંગ્રેસ પાર્ટીને માર્ક્સના માર્ગે લઈ જવાના પ્રયાસનું આ પરિણામ છે. સનાતનનો વિરોધ કરીને ભારતમાં રાજનીતિ ન થઈ શકે. જે લોકો સનાતનના વિનાશની જાહેરાત કરી રહ્યા છે તેમની સાથે કોંગ્રેસ ઉભી છે. આને મહાત્મા ગાંધીના માર્ગે ચાલતી પાર્ટી કહી શકાય નહીં. મહાત્મા ગાંધી સાચા ધર્મ નિરપેક્ષ હતા.


જ્યારે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પૂછવામાં આવ્યું કે, 2018માં જ્યારે કોંગ્રેસે ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવી હતી, ત્યારે પાર્ટીએ તેમને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા, પરંતુ આ વખતે તેમને પ્રચારક બનાવવામાં આવ્યા નથી, આના પર તેમણે કહ્યું હતું કે, ‘પ્રથમ વખત, કોંગ્રેસે હિંદુ સંતને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા, પણ આ વખતે કોંગ્રેસના રણનીતિકારોની કંઈક એવી મજબૂરી હશે કે તેમને આ વખતે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા નથી. કોંગ્રેસમાં અમુક પ્રકારના લોકો છે જે ઈચ્છે છે કે રામનું નામ ન લેવાય. સનાતનની વાત ન કરવી જોઈએ. જે સનાતનને ગાળો આપે છે તેને સૌથી મોટો નેતા બનાવી દેવામાં આવે છે.


આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ ખૂબ મહેનત કરી, પરંતુ જનતાએ તેમને આશીર્વાદ આપ્યા નહીં.’ તેમણે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ જે કરી શકાયું તે કર્યું. ભારત જોડો યાત્રા દરમિયાન તેઓ હજારો કિલોમીટર ચાલ્યા હતા. રાહુલ ગાંધી પર આરોપ મૂકવો યોગ્ય નથી. માણસ મહેનત કરી શકે છે, ફળ આપવાનું કામ ભગવાનનું છે. લોકશાહીમાં લોકો ભગવાન છે. જો જનતાએ અમારી પ્રાર્થના કે રાહુલ ગાંધીની સેવાનો સ્વીકાર ન કર્યો તો તેમને દોષ દેવો યોગ્ય નથી.’


કૉંગ્રેસને પીએમ મોદીના અપમાનથી પણ નુક્સાન થયું એમ જણાવતા ચૂંટણી પરિણામોથી દુઃખી થયેલા આચાર્યએ કહ્યું હતું કે, ‘અમે આશાવાદી છીએ. એ અલગ વાત છે કે હું દર અઠવાડિયે કહેતો હતો કે સનાતનનો વિરોધ ન કરો. હું કહેતો હતો કે તમે ભાજપ સાથે લડો, પણ ભગવાન રામ સાથે ન લડો. હું એમ પણ કહેતો હતો કે વડાપ્રધાન ભારતના છે અને માત્ર ભાજપના નથી. વડાપ્રધાનનું અપમાન ન કરો. વડા પ્રધાનનું સન્માન કરો. પીએમ ગમે તે હોય જનતા પીએમનું અપમાન સહન કરતી નથી. કોંગ્રેસમાં એવા કેટલાક નેતાઓ છે જેઓ હિંદુત્વના વિરોધી છે અને હિંદુત્વને નબળું પાડવા માટે જાતિવાદી રાજકારણને પ્રોત્સાહન આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button