બિહાર (Bihar) સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં ભળભળાટ, અશોક ચવ્હાણનું કૉંગ્રેસમાંથી રાજીનામું
મુંબઈઃ એક તરફ બિહારમાં ફ્લોર ટેસ્ટની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસ (Maharashtra Congress) ના મોટા નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણે કૉંગ્રેસને રાજીનામું ધરી દીધું છે. મળતા અહેવાલો ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે. બે ત્રણ કલાકો પહેલા જ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચવ્હાણનો ફોન નોટ રિચેબલ હોવાનું જણાયું હતું. તેઓ કોઈના સંપર્કમાં નથી. આ સાથે તેઓ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને મળ્યા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
અશોક ચવ્હાણ કૉંગ્રેસ પક્ષનું મોટું નામ છે. 2014માં મોદીલહેર વચ્ચે પણ તેઓ નાંદેડથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમની સાથે અન્ય વિધાનસભ્યો પણ પક્ષ છોડે તેવી સંભાવનાઓ છે. તેઓ આજે જ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કૉંગ્રેસ અને I.N.D.I.A. Alliance માટે આ માઠા સમાચાર છે.
અશોક ચવ્હાણ પર ભાજપે જ આદર્શ કૌંભાંડનો આરોપ લગાવ્યો હતો. ભ્રષ્ટાચારના આરોપને લીધે તેમણે મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.