ગુજરાતને મળી મોટી ભેટ, આણંદમાં બનશે દેશની પ્રથમ કો ઑપરેટિવ યુનિવર્સિટી
આણંદઃ ગુજરાતના આણંદ સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા)એ કો ઑપરેટિવ યુનિવર્સિટી બનાવવાનો ફેંસલો કર્યો છે. આ યુનિવર્સિટી બનાવવા સંસદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી એક બિલ રજૂ કરવામાં આવશે. સરકારે સહકારિતા દ્વારા ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના વિકાસનો રોડમેપ બનાવ્યો છે. આ સ્થિતિમાં સહકારિતાના અભ્યાસ માટે અલગથી એક યુનિવર્સિટી બનતાં આ ક્ષેત્રના વિકાસમાં નવી ગતિ આવશે.
શું હશે કો ઑપરેટિવ યુનિવર્સિટીનું નામ
દેશની પ્રથમ કો ઑપરેટિવ યુનિવર્સિટીનું નામ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી હશે. આ નામ ભારતમાં સહકારી આંદોલનના જનક ગણાતા સ્વતંત્રતા સેનાની ત્રિભુવનદાસ પટેલને સમર્પિત છે. હાલ ઈરમામાં પીજી કોર્સ કરાવવામાં આવે છે. જેમાં એમબીએની ડિગ્રી મળે છે. ઈરમા ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસ માટે સમર્પિત એક બિઝનેસ સ્કૂલ છે. જેની સ્થાપના 1979માં ડૉ.વર્ગીસ કુરિયને કરી હતી.
આ વડાપધાન લઈ ચૂક્યા છે ઈરમાની મુલાકાત
રૂરલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઈરમા પ્રથમ પસંદગી છે. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ જેવા વડાપ્રધાન તેની મુલાકાત લઈ ચૂક્યા છે. ગુજરાતને સહકારિતા ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા સફળ મૉડલ તરીકે જોવામાં આવે છે. તેથી અહીંયા સહકારિતા યુનિવર્સિટી બનાવવી ખાસ વાત છે.
આ પણ વાંચો : દેશમાં ગેસ લીકેજની ઘટનામાં થયો વધારોઃ 2023માં ગુજરાતમાં સૌથી વધુ બનાવ
ઈરમાની કેમ થઈ પસંદગી
કો ઑપરેટિવ સેક્ટર મામલે મહારાષ્ટ્ર પણ ઘણું આગળ છે. અહીંયા કો ઑપરેટિવ શુગર મિલો મોટા પ્રમાણમાં છે. પુણેમાં વૈકુંઠ મહેતા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ કોઑપરેટિવ મેનેજમેન્ટ (વૈમનીકૉમ) છે, જેને કો ઑપરેટિવ યુનિવર્સિટી બનાવવાની ચર્ચા હતી પરંતુ સરકારે ગુજરાતના આણંદની પસંદગી કરી છે. આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેંટ બોર્ડનું કાર્યાલય અને અમૂલનો મુખ્ય પ્લાન્ટ છે. યુનિવર્સિટી બનાવવા માટે ઈરમાની આસપાસ પૂરતી જમીન પણ છે.
કો ઑપરેટિવ યુનિવર્સિટી બનવાથી શું ફાયદો થશે
નિષ્ણાતોના કહેવા મુજબ, સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે એક સહકારિતા યુનિવર્સિટીની જરૂર હતી, જે હવે પૂરી થવા જઈ રહી છે. સહકારિતા ગ્રામીણ વિકાસનો પાયો છે તેમ છતાં આ ક્ષેત્રમાં કામ કરવામાં આવ્યું નહોતું. પ્રથમ વખત અભ્યાસ માટે યુનિવર્સિટી બનાવવાનું વિચારવામાં આવ્યું છે, જે બન્યા બાદ સહકારિતા ક્ષેત્રમાં કુશળ લોકો આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ અને નેશનલ કોઑપરેટિવ યુનિયન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ આ યુનિવર્સિટી બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં સહકારિતાનો ઈતિહાસ 100 વર્ષથી વધુ જૂનો છે પરંતુ જો 100 સફળ સહકારી સંસ્થાનું લિસ્ટ બનાવવું ખૂબ મુશ્કેલ છે. ઈફ્કો, કૃભકો અને અમૂલ સુધી જ વાત મર્યાદીત રહે છે, જેનું કારણે સહકારિતા ક્ષેત્રના વિકાસ માટે પ્રોફેશનલ અભિગમ અપનાવાયો નથી. હવે સહકારિતા ક્ષેત્રમાં અભ્યાસ થશે ત્યારે આ સેક્ટરમાં કુશળ માણસો આવશે, જેનાથી સમગ્ર સેક્ટરનો વિકાસ થશે.