નવી દિલ્હી : કેજરીવાલની ધરપકડ (CM Kejriwal Arrested) બાદ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે (CM Kejriwal will not resign). મંત્રી આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા અને મુખ્યપ્રધાન રહેશે. કેજરીવાલ એક વિચાર છે, તેને ખતમ કરી શકાતો નથી. ધરપકડ AAP અને અરવિંદ કેજરીવાલને રોકવાનું કાવતરું છે. દિલ્હીના લોકો કેજરીવાલને પ્રેમ કરે છે અને તેનો જવાબ ભાજપને આપશે. ત્યારે, વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યું કે કેજરીવાલ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે. તે જેલમાંથી સરકાર ચલાવશે. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રાખી બિરલાએ કહ્યું કે કેજરીવાલ ઝૂકશે નહીં.
લાલુ પ્રસાદ યાદવથી લઈને હેમંત સોરેન સુધીના અનેક મુખ્યપ્રધાનોએ ભ્રષ્ટાચારના આરોપમાં જેલ જવું પડ્યું છે. જો કે, આ તમામ નેતાઓ જેલમાં જતા પહેલા પોતપોતાના હોદ્દા છોડી ગયા હતા. પરંતુ જો કેજરીવાલ રાજીનામું નહીં આપે તો કદાચ આ પહેલીવાર હશે જ્યારે કોઈ મુખ્યપ્રધાનને જેલમાં બંધ કરવામાં આવશે.
મોટો પ્રશ્ન એ થાય છે કે શું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે? નિષ્ણાતોના મતે કેજરીવાલ પાસે આવી કોઈ કાયદાકીય જવાબદારી નથી. બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે જો કોઈ મંત્રી કે મુખ્યમંત્રીની ધરપકડ થાય તો તેણે પદ છોડવું પડશે કે નહીં. જો કે, આ ચોક્કસપણે નૈતિકતાનો પ્રશ્ન છે.
#WATCH | AAP leader Atishi says, "We have received news that ED has arrested Arvind Kejriwal… We have always said that Arvind Kejriwal will run the govt from jail. He will remain the CM of Delhi. We have filed a case in the Supreme Court. Our lawyers are reaching SC. We will… pic.twitter.com/XWQJ1D6ziR
— ANI (@ANI) March 21, 2024
અત્રે નોંધનીય બાબત એ છે કે કેજરીવાલે કોઈ વિભાગ પોતાની પાસે રાખ્યો નથી. જો કે, તેમણે કેબિનેટની બેઠકોમાં હાજરી આપવી પડે છે અને અધિકારીઓ સાથે મીટિંગ અને ફાઈલો હેન્ડલ કરવા સહિત ઘણાં કામ કરવા પડે છે.
એવું માનવામાં આવે છે કે જો કેજરીવાલ જેલમાં રહીને મુખ્યમંત્રી પદ સંભાળશે તો સરકારના કામકાજમાં ચોક્કસપણે અવરોધો આવશે. અગાઉ જ્યારે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેઓ મહિનાઓ સુધી મંત્રી રહ્યા હતા. જો કે, તેમના મંત્રાલયો અન્ય મંત્રીઓને સોંપવામાં આવ્યા હતા.