ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પાકિસ્તાન-બલુચિસ્તાન સરહદ પર ઘર્ષણ, બલોચ આર્મીએ પાક. સેનાના 55 સૈનિકોને ઠાર માર્યાનો દાવો

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા માચ અને બોલન શહેરોમાં પાકિસ્તાની સૈન્યની છાવણીઓ પર બલોચ લિબરેશન આર્મીએ હુમલો કરી દીધો હતો. BLAનો (બલોચ લિબરેશન આર્મી) દાવો છે કે તેમણે માચ શહેરમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 45 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. જ્યારે પીર ગેબમાં 10 સૈનિકોને ઠાર માર્યા છે. આ સાથે જ BLA દ્વારા બંને શહેરો પર કબજો કરવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જો કે પાકિસ્તાને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમના કોઇ સૈનિકોના મોત થયા નથી.

BLAએ હુમલા બાદ નિવેદનમાં જણાવ્યું હતું કે ઓપરેશન દારા-એ-બોલન હેઠળ છેલ્લા 15 કલાકમાં માચ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ મેળવી લેવાયું છે. આ ઓપરેશન દરમિયાન 4 બલોચ કાર્યકર્તાઓના પણ મોત થયા છે. ચારેય મૃતકો બલોચ લિબરેશન આર્મીની મજીદ બ્રિગેડના સૈનિકો હતા.

BLA બલુચિસ્તાનના યુવાનોને તેમના સંગઠનમાં સામેલ થવાનું સતત આહ્વાન કરે છે. તેમણે અનેક પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા છે. બારૂદ ભરેલી સુરંગો બનાવી છે અને પાકિસ્તાની સેનાને બલુચિસ્તાનમાં પ્રવેશતા પણ રોકવામાં આવી રહી છે. BLA સ્થાનિક યુવાનોને અપીલ કરે છે કે કાયર દુશ્મનોનો જુલમ સહન કરવાને બદલે બલુચ સ્વતંત્રતા સેનાનીઓની શ્રેણીમાં તેમણે સામેલ થવું જોઇએ.

જો કે પાકિસ્તાને BLAના તમામ દાવા ફગાવી દીધા હતા. બલુચિસ્તાન પ્રાંતના સૂચના પ્રધાને કહ્યું હતું કે માચમાં થયેલા હુમલામાં અમારી સેનામાંથી કોઇ ઇજાગ્રસ્ત થયું નથી. ઉલ્ટું, પાકિસ્તાનની સેનાએ BLAના હુમલાનો મજબૂત પ્રતિકાર કર્યો છે. માચ અને બોલન બંને શહેરોમાં અમારી સેના કાર્યવાહી કરી રહી છે. તેમને જલ્દીથી ત્યાંથી ખદેડી દેવામાં આવશે, તેનું પાક. સેનાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button