2020ના જૂન મહિનામાં લદ્દાખમાં આવેલી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વધુ સંખ્યામાં સૈનિકો ગોઠવ્યા છે. પેન્ટાગોનના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વર્ષ દરમિયાન ચીને ભારત સાથે જોડાયેલી સરહદો પર તૈનાત સૈનિકોની સંખ્યામાં પણ વધારો કર્યો છે તેમજ સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહ્યું છે. આમ ફરી એકવાર ચીન આ વિસ્તારમાં તેનો કબજો જમાવવા પ્રયાસો કરી રહ્યું છે જે ચિંતા જન્માવે તેવી બાબત છે.
પેન્ટાગોનના રિપોર્ટમાં કહેવાયું છે કે 2022માં ચીને LAC અને તેની આસપાસના વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ટનલ, નવી સડકો, નવા ગામડા, પેગોંગ તળાવ પર સેકંડ બ્રીજ, એરપોર્ટ-હેલીપેડ જેવી સુવિધાઓ ઉભી કરી છે. IANSના અહેવાલ મુજબ LACના પશ્ચિમ વિસ્તારમાં રિઝર્વમાં હથિયાર બ્રિગેડ રાખ્યા છે. જિજીયાંગ અને તિબેટ સૈન્ય જિલ્લાઓના 2 ડિવિઝનોના સહયોગથી સરહદ પર એક રેજિમેન્ટ ગોઠવી છે.
અમેરિકી રક્ષા મંત્રાલયે પણ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ચીને છેલ્લા એક વર્ષમાં પરમાણુ હથિયારોની સંખ્યામાં પણ વધારો કર્યો છે. પહેલા કરતા વધુ પરમાણુ હથિયાર બનાવવાને કારણે હવે તેની પાસે 500 પરમાણુ હથિયારો છે. દાવો કરવામાં આવે છે કે ચીન 2030 સુધીમાં 1000 પરમાણુ હથિયાર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે જૂન 2020માં ગલવાન ઘાટી પાસે ભારતીય સેનાના જવાનો અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ચીની સૈનિકોને ભારે નુકસાન થયું હતું. બંને દેશોની સેના લગભગ એક મહિના સુધી એકબીજા સાથે સંઘર્ષમાં રહી. આ પછી રાજદ્વારી સ્તરે વાતચીત થયા બાદ આ મડાગાંઠનો અંત આવ્યો હતો.
Taboola Feed