ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલ્યા; ભારતે સખત વાંધો ઉઠાવ્યો

નવી દેલ્હી: હાલ ભારતનો તેના એક પાડોશી દેશ પાકિસ્તાન સાથે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે ભારતના એક બીજા પાડોશી દેશ ચીને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. ચીને ભારતના ઉત્તરપૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલીની ચાનીઝ ભાષાના નામોની જાહેરાત (China renames Arunachal Places) કરી હતી. જેની સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે.
ભારત સરકારે આજે બુધવારે એક નિવેદનમાં અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના પગલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. ભારત સાકારે ચીનના આ પગલાને પ્રાદેશ પર દાવો કરવાનો ‘નિરર્થક અને પાયાવિહોણો’ પ્રયાસ ગણાવ્યો હતો.
અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ:
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. તેમણે ચીનના દાવાને “વ્યર્થ અને વાહિયાત” ગણાવીને ફગાવી દીધા છે.
રણધીર જયસ્વાલે કહ્યું, “અમે નોંધ્યું છે કે ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આવેલા સ્થળોના નામકરણ કરવાના નિરર્થક અને વાહિયાત પ્રયાસો કરી રહ્યું છે. અમારા સૈદ્ધાંતિક વલણ મુજબ અમે આવા પ્રયાસોને સ્પષ્ટપણે નકારીએ છીએ.”
વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે આ નામકરણ કરવાથી અરુણાચલ પ્રદેશ પર ભારતની અધિકારની નિર્વિવાદ વાસ્તવિકતાને નહી બદલાઈ.
ચીનનો અરુણાચલ પર દાવો:
નોંધનીય છે કે અરુણાચલ પ્રદેશ લાંબા સમયથી ભારત-ચીન સંબંધોમાં તણાવપૂર્ણ મુદ્દો રહ્યો છે. ચીન વર્ષોથી અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરતું આવ્યું છે, ચીન અરુણાચલ પ્રદેશને તિબેટનો દક્ષિણ ભાગ ગણાવીને તેના પર દાવો કરે છે. ચીને આ વિસ્તારને ‘ઝાંગનાન’ (Zangnan) નામ પણ આપ્યું છે.
અરુણાચલ પ્રદેશમાં ચીનના સૈનિકોના ઘુસણખોરીના અનેક બનાવો બની ચુક્યા છે. રાજ્યને લગતી બોર્ડર પાસે ચીન મોટાપાયે મિલીટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી રહ્યું છે. જેની સામે ભારત અનેક વાર સખત વાંધો ઉઠાવી ચુક્યું છે પણ ચીન માનવા તૈયાર નથી.
ચીને ઘણીવાર અરુણાચલ પ્રદેશના અનેક સ્થળોના નામ બદલીને નકશા બહાર પડ્યા છે. વર્ષ 2024 માં, ચીને અરુણાચલ પ્રદેશના 30 સ્થળોના નવા નામોની યાદી બહાર પાડી, જેને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
ભારતીય નેતાઓની અરુણાચલ પ્રદેશની મુલાકાતો સામે ચીન નિયમિતપણે વાંધો ઉઠાવે છે.