
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના મેદાનો સહિત હિમાલયના અનેક વિસ્તારોમાં ફરી એક વાર મોસમનો મિજાજ બદલાયો છે. શનિવારે અહીંના પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા અને મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી ગઇ હતી. કેટલીક જગ્યાએ વીજળી પડવાના પણ સમાચાર આવ્યા હતા. જોકે, કોઇ જાનહાનિના સમાચાર હજી સુધી જાણવા મળ્યા નથી. ભારતીય વેધશાળાએ જણાવ્યું છે કે હવામાનમાં આ ફેરફાર ઈરાન ઉપરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિસ્તારને કારણે આવ્યો છે. તેમણે હિમાચલ સહિત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 દિવસ સુધી આવા વિષમ હવામાનની ચેતવણી આપી છે.
અરબી સમુદ્રમાંથી પણ ભેજવાળા પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડના પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થયો હતો. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કેટલીક જગ્યાએ હળવો અને ભારે વરસાદ, કરા અને ભારે પવન ફૂંકાતા અનેક ઘરોના છાપરા ઉડી ગયા હતાં. છત્તીસગઢ, બંગાળના ઉપ-હિમાલયના વિસ્તારો, સિક્કિમ, આસામ, મેઘાલય અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પણ વાવાઝોડાં અને જોરદાર પવનોનું તોફાન જોવા મળ્યું હતું. બીજી તરફ મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં વીજળી પડવાથી બે બાળકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.
ભારે વરસાદને કારણે હરિયાણાના ચરખી દાદરી અને ભિવાનીના અનાજ બજારોમાં ખુલ્લામાં પડેલા ઘઉં અને સરસવના ઢગલા અને થેલીઓ ભીની થઈ ગઈ હતી. એક અંદાજ મુજબ 70 હજાર ક્વિન્ટલથી વધુ સરસવ અને ઘઉં ભીના થઈ ગયા છે. હિસાર, સિરસા અને ફતેહાબાદ જિલ્લામાં પણ વાદળો ઘેરાઇને જોરદાર પવન ફૂંકાતા ખેતરોમાં લણણીની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો છવાઇ ગયા હતા.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા ભાગોમાં વરસાદ થયો હતો. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા લોકોને ગરમીથી રાહત મળી છે. લેહમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.5, પહેલગામમાં 3.2, ગુલમર્ગમાં 2.6 અને શ્રીનગરમાં 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.