નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં તાજેતરના મહિનાઓમાં આતંકવાદી ઘટનાઓ અને ઘૂસણખોરીના કેસમાં વધારો થયો છે. જેના પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના વડા અને અર્ધલશ્કરી દળના અન્ય ટોચના અધિકારીને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બીએસએફના ડાયરેક્ટર જનરલ (DG) નીતિન અગ્રવાલ અને ડેપ્યુટી સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ(DY.DG) (પશ્ચિમ) વાયબી ખુરાનિયાને તાત્કાલિક અસરથી તેમના સંબંધિત રાજ્ય કેડરમાં પાછા મોકલી દીધા છે.
નિર્ણય આતંકવાદી હુમલાની વધતી ઘટનાને પગલે
બોર્ડર સિક્યોરિટી ફોર્સ જમ્મુ ક્ષેત્ર સહિત સંવેદનશીલ ભારત-પાકિસ્તાન સરહદની રક્ષા કરે છે અને બે ટોચના અધિકારીઓને હટાવવાનો નિર્ણય આતંકવાદી હુમલાની વધતી ઘટનાને પગલે લેવામાં આવ્યો છે. જેમાં તાજેતરમાં અલગ અલગ હુમલાઓ અને સર્ચ ઓપરેશનમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે.